
આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત મહિલા આગેવાન જીગીશા પટેલે જણાવ્યું હતું કે આજે હું અહીં એક પક્ષના નેતા તરીકે નહીં, પરંતુ એક ખેડૂતની દીકરી તરીકે તમારી સમક્ષ ગોંડલ તાલુકાના ખેડૂતોની એક ગંભીર સમસ્યા મૂકવા આવી છું. જેતપર અને કોંઢ ગામની અંદર ખેડૂતો તેમના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનના વિરોધમાં ઉપવાસ પર બેઠા છે, અને એવી જ કપરી પરિસ્થિતિ આપણા ગોંડલ તાલુકામાં પણ ઊભી થવા જઈ રહી છે. જેટકો (JETCO) તરફથી મળેલા જાહેરપત્ર અને દસ્તાવેજો તપાસતા માલૂમ પડ્યું છે કે ગોંડલ તાલુકાના આબલી, ખડવંથલી, ભીંડાવાડ, હડમતાળા, ગરનાળા, અણિયારા, ભાલોડી, ત્રાકુડા, દડવા, વેકરી, પાટીદળ, ચોરડી, જામવાડી, ગોમટા, વોરા કોટડા, બાંદરા, દેવચરી, મોવિયા, માંડણકુંડલા, કાંટરોલીયા, બિલડી, શિવરાજગઢ, બંધિયા, શ્રીનાથગઢ અને કમર કોટડા જેવા ૨૫ થી વધુ ગામોમાંથી આવી બબ્બે હાઈટેન્શન વીજ લાઈનો પસાર થવાની છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેતરોમાં નાખવામાં આવનારો એક-એક થાંભલો અંદાજે ૫૫ ચોરસ ફૂટ જેટલી કિંમતી જગ્યા રોકી લેશે, જેના કારણે જમીનની કિંમત સીધી અડધી થઈ જશે. આટલું જ નહીં, આ 765 KV ની હાઈ વોલ્ટેજ લાઈનના કાયદા મુજબ ખેડૂતો પોતાની જ જમીન પર ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું પાકું બાંધકામ, ખેતી વિષયક ખૂંટા કે કૂવા-બોર જેવી પાયાની સગવડો પણ ઊભી નહીં કરી શકે, જેથી ખેડૂતોની કરોડોની માલિકીની જમીન આખી જિંદગી માટે સદંતર નકામી બની જશે.
https://www.facebook.com/share/v/1LDNsvSWgK/?mibextid=wwXIfr
’આપ’ નેતા જીગીશા પટેલે વધુમાં જણાવ્યું હતુ કે જો આ વીજ લાઈન ભારત સરકારની હોત કે તેનાથી દેશનું કોઈ હિત થતું હોત તો અમે સરકારના આ નિર્ણય સાથે પૂરેપૂરા સહમત હોત, પરંતુ આ તો માત્ર ઉદ્યોગપતિ અદાણી સાહેબની પ્રાઈવેટ કંપનીને મોટો આર્થિક ફાયદો કરાવવા માટે થઈને ખેડૂતોની વિરાસત સમાન જમીનો છીનવી લેવાનો કારસો છે. કંપની પંચાવન ચોરસ ફૂટ જગ્યાના નામે માંડ દસ લાખ રૂપિયા જેવું નજીવું વળતર આપીને બાકીના આખા ખેતરનું ભવિષ્ય ધૂંધળું કરી રહી છે, અને ઉપરથી લાઈનના મેઇન્ટેનન્સના બહાને કંપનીની ગાડીઓ ગમે ત્યારે ખેડૂતોના ઊભા પાકમાં ઘૂસી જશે. હરવખત મૂંગા મોઢે બધું સહન કરતા ગરીબ ખેડૂતોને જ દબાવવામાં અને લૂંટવામાં આવે છે, પણ હવે ઉદ્યોગપતિઓને ફાવવી દેવાની સરકારની આ નીતિ સામે આપણે જાગવું પડશે. આમાં કોઈ પક્ષ કે રાજકારણની વાત નથી, પરંતુ એક ખેડૂત પુત્રી તરીકે મારા દિલમાં આ અન્યાયની ભારે પીડા છે. તેથી જ, ગોંડલ તાલુકાના તમામ ખેડૂત ભાઈઓને એક થઈ સંગઠિત અવાજ ઉઠાવવા હું આહ્વાન કરું છું અને આ અન્યાય સામે ગામડે-ગામડે જઈને દરેક ખેડૂત પરિવારને જાગૃત કરવા માટે હું વ્યક્તિગત રીતે આ લડતમાં તેમની સાથે ઊભી રહીશ.





