આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર વાત કરતાં જણાવ્યું હતું કે, વડોદરામાં એક દીકરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો. ક્યાં ક્યાં વિસ્તારમાં ડ્રગ્સ વેચાય છે, કોણ કોણ લોકો આ ડ્રગ્સ વેચે છે અને કયા પ્રકારનું ડ્રગ્સ મળે છે અને કેટલા રૂપિયામાં ડ્રગ્સ વેચાય છે, એવી બધી જ માહિતી આ વીડિયો દ્વારા વાયરલ કરવામાં આવી હતી. ગાંધી અને સરદારના ગુજરાતમાં દીકરીઓએ પણ હવે ડ્રગ્સ મુદ્દે બોલવું પડે છે. મુન્દ્રા પોર્ટથી હજારો કરોડોનું ડ્રગ્સ ગુજરાતમાં એન્ટર થાય છે અને લાખો યુવાનોની જિંદગી બરબાદ કરી નાખે છે, એમને ખોખલા બનાવી દે છે. લોકો પુછી રહ્યા છે કે આ ડ્રગ્સ ક્યાંથી આવી રહ્યું છે અને ક્યાં વેચાય છે? આનો કોઈ હિસાબ કે રેકોર્ડ નથી. આજ દિન સુધી એક પણ મોટો ડ્રગ ડીલર જેલના સળિયા પાછળ ધકેલાયો નથી.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સરકાર અને હર્ષ સંઘવીને હું કહેવા માગું છું કે ફક્ત રીલ બનાવીને ફેમસ થવાની જરૂર નથી. તમારા કારણે ગુજરાતના યુવાનો ખોખલા થઈ રહ્યા છે, બરબાદ થઈ રહ્યા છે. આજથી દસ વર્ષ પહેલાંના ગુજરાતમાં ડ્રગ્સનું નામોનિશાન ન હતું, જ્યારે આજે ગુજરાતના ખૂણે ખૂણે અને પાનના ગલ્લામાં પણ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને જ્યારે કોર્ટ પોલીસને જવાબ આપવા માટે બોલાવે છે ત્યારે પોલીસ કહે છે કે “ઉંદર ડ્રગ્સ ખાઈ ગયા”. હવે આપણે ગુજરાતની જે હાલત જોઈ રહ્યા છે, એની સામે આપણે તમામ લોકોએ જાગવું પડશે. ગુજરાતના યુવાનો, યુવતીઓ, વિદ્યાર્થીઓ, GenZ જનરેશન અને આલ્ફા જનરેશને એક થઈને ડ્રગ્સના મુદ્દે બોલવું પડશે. અમારી તમામ લોકોને વિનંતી છે કે તમે તમારા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરો અને જ્યાં જ્યાં પણ દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય, ડ્રગ્સ વેચાતું હોય, એમના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરો કારણ કે અત્યારે ન્યાય મેળવવા માટે સોશિયલ મીડિયા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ છે.





