
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
વિશ્વ જેમને વંદન કરી ધન્યતા અનુભવે છે એવા મહામાનવ મહાત્મા ગાંધી એ “ સત્યના પ્રયોગો” નામનું પુસ્તક લખી ને “ મેરા જીવન હી મેરા સંદેશ હૈ” એ સમગ્ર વિશ્વને બતાવી આપ્યું અને સિધ્ધ કરી બતાવ્યુ કે જાહેર જીવન માં પણ પ્રામાણિકતા જેવુ કંઈક છે ખરું? પરંતુ આજનો નેતા કોઈ પણ પાર્ટી ના કેમ ના હોય એ શું “અસત્ય ના પ્રયોગો” નામનું પુસ્તક લખી શકશે ખરો? સત્યની તો વાત જ નથી.
અને એવું જ કંઈક હાલમાં થનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં જોવા મળી રહ્યું છે. કારણકે ચૂંટણીઓ હવે સેવાનું સાધન નહીં પણ મેવા કમાવવાનું જાણે કે માધ્યમ બની ગયું હોય એમ દરેક રાજકીય પાર્ટીમાં અંડુ,ગંડુ એરા ગંડુ જેવા નવા નિશાળીયા કે જેમને મોઢા ઉપરથી માંખ ઉડાડવાની શક્તિ નથી પ્રજાના કામનો કોઈ કહેતા કોઈ અનુભવ તો ઠીક પ્રજાએ ક્યારેય આ નમૂનાઓને જોયા નથી અને ચૂંટણી જીત્યા પછી પણ આ નમૂના પ્રજાની વચ્ચે જોવા મળવાના નથી. એવા ઉમેદવારો ચુંટણીમાં જીત્યા પછી એક જ લક્ષ્ય રાખે છે કે રૂપિયા બનાવો અને પાંચ વર્ષ મળ્યા છે તો ૭ પેઢી ખાય એટલું ભેગું કરી લો. બસ આ એક જ સૂત્ર પૈસા બનાવો, પૈસા બનાવો, પૈસા બનાવો અને આ સૂત્રોનો અમલ દરેક રાજકીય પાર્ટીના જીતેલા ઉમેદવારો છેલ્લા ઘણા વર્ષોથી અમલ કરી ને માલામાલ થઈ ગયા છે. કારણકે કાલ કોણે દીઠી રે, કાલ કોણે દીઠી? એમ આવતી ચૂંટણીમાં ટિકિટ મળવાની નથી એ સારી રીતે સમજી ગયા હોઈ પ્રજા હિત ને નેવે મૂકી સ્વહિત ને જ પ્રાધાન્ય આપતા આવા નમૂનાઓને લાચાર પ્રજા કરી પણ શું શકે? આવા નમૂનાઓ પાંચ વર્ષ સુધી કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદ રહ્યા પછી એમની પાસે માલ-મિલકતો હોય છે એની જો પ્રામાણિકતાપૂર્વક તપાસ કરવામાં આવે તો કેટલાય રૂપિયાની F.D , કેટલાય રૂપિયા પરિવારના ખાતામાં બેન્ક બેલેન્સ, કેટલી દુકાનો, ફલેટ, જમીનના માલિકો બની બેઠેલા હોય છે. એટલું જ નહીં એમના ગામમાં પણઆલિશાન બંગલાઓ, ફાર્મહાઉસો અને જમીનોના માલિકો બની એશો આરામ કરતાં થઈ ગયા છે. કારણકે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર એમનું મુખ્ય સૂત્ર હોય ત્યાં પ્રજા બિચારી કરે તો કરે શું? ફરિયાદ પણ કોને કરે? જ્યાં વાડ જ ચીભડા ગળતી હોય ત્યાં?
અત્રે ઉલ્લેખનિય છે કે જો ચૂંટાયેલાઓ એ સાચે જ પાંચ વર્ષ પ્રજાના પ્રશ્નોને વાચા આપી હોય? પ્રજાની વચ્ચે ગયા હોય? તો પછી પ્રજાને “ અમારા વિસ્તારમાં કોઈપણ ઉમેદવારે મત ની ભીખ માંગવા આવવું નહીં.” એવા બોર્ડ મારવાની જરૂર કેમ પડી?
કારણ સ્પષ્ટ છે કે ચૂંટાયેલા આ નમૂનાઓને પ્રજાએ કયારેય જોયા જ નથી હોતા તો પછી સેવા કરવાની વાત જ ક્યાં રહી? આવા નમૂનાઓ પ્રજાના વિરોધ વચ્ચે કેમ ચૂંટાય છે? એનું કારણ શામ, દામ, દંડ અને ભેદની રીત રસમો અપનાવી જ્યારે ચૂંટણીઓ જીતવાની હોય અને ખુલ્લે આમ લોકશાહીનું “ખૂન” થઈ રહ્યું હોય અને જ્યાં ડર અને ગભરાટથી પ્રજા જીવતી હોય ત્યારે આવા નમૂનાઓને કોણ હરાવવાની હિંમત કરે?





