Fashion News: બનારસી સાડી ક્યારેય ‘આઉટ ઓફ ફેશન’ નથી થતી. તેવામાં મોટાભાગની મહિલાઓના વોર્ડરોબમાં બનારસી સાડીઓ મળી જ જાય છે. પરંતુ જો તમે નવી બનારસી સાડી ખરીદવાનું વિચારી રહ્યાં છો તો ખરીદતા પહેલા અસલી-નકલીની ઓળખ કરતાં શીખી જાવ.
1. દરેક મહિલાને પસંદ છે બનારસી સાડી
લગ્ન હોય તે તહેવાર હોય, દરેક સ્પેશિયલ ઓકેશનમાં બનારસી સાડી સુંદર લાગે છે. આ સાડીઓની તુલના અન્ય સાડીઓ સાથે ન કરી શકાય. આ જ કારણ છે કે નવી દુલ્હનથી લઇને મોટી ઉંમરની મહિલાઓ પણ પોતાની પસંદ પ્રમાણે ઓછામાં ઓછી એક બનારસી સાડી પોતાની પાસે જરૂર રાખે છે.
2. બનારસી સાડીની જોરદાર ડિમાંડ
બનારસી સાડીની ડિમાંડને ધ્યાનમાં રાખતા માર્કેટમાં નકલી બનારસી પણ મળે છે જે દેખાવમાં બિલકુલ અસલી બનારસી સાડી જેવી લાગે છે. તેવામાં આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે પ્યોર બનારસી સાડીને ઓળખી શકો છો.
3. ખાસ વણાટ અને ડિઝાઇન
અસલી બનારસી સાડીની વણાટ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવે છે. તેની વણાટ મુલાયમ દોરાથી કરવામાં આવે છે, જે ખૂબ જ ચમકદાર અને મજબૂત હોય છે. તેમાં કેરીની ભાત, બુટ્ટા, જાળી, વેલ અને ફૂલોના મોતી જેવી ડિઝાઇન બનાવવામાં આવે છે. તેની ઓળખ માટે તમે પાલવના ખૂણામાં નીકળતા દોરા જોઇ શકો છો.
4. પાલવની લંબાઇ
જ્યારે પણ બનારસી સાડી ખરીદો તો તેના પાલવને જરૂર ચેક કરો. અસલી બનારસી સાડીના પાલવમાં હંમેશા 6થી 8 ઇંચનું પ્લેન સિલ્ક ફેબ્રિક ઉપયોગમાં લેવામાં આવે છે. બનારસી સાડી પર જો ફૂલ-પાન, કેરીની ભાત અને ઝીણા બુટ્ટાની પેટર્ન હોય તો તે અસલી બનારસી છે. અસલી બનારસીનો પાલવ ઘણો લાંબો હોય છે.
5. વીંટીથી ઓળખો
જો તમે બનારસી સિલ્ક સાડી ખરીદવા જઇ રહ્યાં છો તો તમને જણાવી દઇએ કે આ સાડીઓનું ફેબ્રિક એટલું મુલાયમ હોય છે કે, સરળતાથી તમારી વીંટીમાંથી પસાર થઇ જાય છે.
6. સ્પર્શ કરીને ઓળખો
અસલી બનારસી સાડીને જ્યારે તમે હાથથી સ્પર્શ કરશો તો તમને ગરમાવાનો અનુભવ થશે. આ ઉપરાંત, જો તમે તેના પર અલગ-અલગ એંગલથી પ્રકાશ પાડશો તો તેના રંગમાં પણ ફેર દેખાશે.
7. જીઆઇ ટેગ જુઓ
જ્યારે પણ સારી જગ્યાએથી બનારસી સાડી ખરીદો તો જીઆઇ ટેગની તપાસ જરૂર કરો. તમે ક્યૂ આર કોડની મદદથી પણ તેની ઓળખ કરી શકો છો. આ વાતોને ધ્યાનમાં રાખીને તમે સરળતાથી અસલી બનારસી સાડીઓની ઓળખ કરી શકો છો.