
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
મુંબઈ ના મલાડમાં ફ્રૂટ વેચનારાઓ ધ્વારા ફળોની ઉપર ઉંદર મારવાની દવા લગાડતા હોવાનો ચોંકાવી દેનારો વિડીયો સોશિયલ મીડિયા પર ગઈ કાલે વાઇરલ થયો હતો. એના આધારે મલાડ પોલીસે મનોજ કેસરવાની અને બિપિન કેસરવાની નામના બે ફ્રૂટ વેચતા ફેરિયાઓની ધરપકડ કરી હતી. બંને આરોપી સ્થાનિક બજાર ખાતે ફળ વેચવાનો વર્ષોથી ધંધો કરી રહ્યા છે. ત્યારે ત્યાંના એક સ્થાનિક રહેવાસીએ આરોપી ફળો ઉપર ઝેરી દવા રેટોલ લગાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પૂછપરછ દરમ્યાન આરોપીઓએ સ્વીકાર્યું કે રાત્રે ઉંદરોથી થતાં નુકશાનથી બચવા માટે તેઓ સફરજન અને દાડમ જેવા ફળો પર રેટોલ લગાવતા હતા. રેટોલમાં રહેલું યલો ફોસ્ફરસ માનવ શરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
પોલીસ પૂછપરછ દરમ્યાન આરોપીઓએ સ્વીકાર્યું કે તેઓ રાતના સમયે ઉંદરોથી ફળોને થતું નુકશાન અટકાવવા માટે ઉંદર મારવાની દવા રેટોલ ફળોની સપાટી ઉપર લગાવતા હતા. ગત મંગળવારના રોજ રાત્રીના સમયે કેટલાક સજાગ અને જાગૃત નાગરિકોએ આરોપીને ફળો ઉપર પીળાશ પડતી ક્રીમ જેવી વસ્તુ લગાવતા રંગે હાથે ઝડપી પાડયા હતા. શરૂઆતમાં આરોપીઓએ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે કડક રીતે પૂછપરછ કર્યા બાદ કબૂલાત કરી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અને ખુલ્લા બજારમાં વેચાતા ફળોની સલામતી વિશે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા.
આ બાબતે કેટલાક જાણકારોના જણાવ્યા મુજબ રેટોલમાં યલો ફોસ્ફરસ જેવા અત્યંત ઝેરી રસાયણો હોય છે જે માનવશરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઝેર શરીરમાં પ્રવેશતા જ રકતપ્રવાહમાં ભળીને ગંભીર નુકશાન પણ પહોંચાડી શકે છે. ખાસ ચિંતાનો વિષય એ છે કે આવા ઝેરી પદાર્થ ફળોની છાલમાં શોષાઈ જાય તો માત્ર પાણીથી ધોવાથી એનો પ્રભાવ સંપૂર્ણપણે દૂર થતો નથી. નાના બાળકો ઘણીવાર ફળોને સારી રીતે ધોયા વગર કે છાલ ઉતાર્યા વગર ખાઈ લેતા હોય છે. જેથી જોખમ વધી જાય છે. આરોગ્ય નિષ્ણાંતો ધ્વારા લોકોને ફળોને મીઠાવાળા હળવા ગરમ પાણીમાં ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી પલાળી રાખવાની અને શકય હોય તો છાલ ઉતારીને જ ખાવાની સલાહ આપવામાં આવી છે.




