
કહ્યું- ભાઈએ મર્ડર કરી દીધું છે, હવે જેલ જઈ રહ્યો છું દિલ્હીમાં હત્યા બાદ આરોપીએ ઇન્સ્ટા પર રીલ બનાવી દીધી પોલીસે મૃતકની ઓળખ ૧૯ વર્ષીય નિક્કુ તરીકે કરી છે દિલ્હીમાં સામાન્ય બોલાચાલી બાદ યુવકની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના દિલ્હીના શાલીમાર બાગ પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું કહેવાય છે. પોલીસે મૃતકની ઓળખ ૧૯ વર્ષીય નિક્કુ તરીકે કરી છે. નવાઈની વાત એ છે કે આ હત્યાને અંજામ આપ્યા બાદ એક આરોપીએ આ મર્ડરની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર એક રીલ અપલોડ કરીને પણ આપી છે. મળતી માહિતી મુજબ, આ રીલમાં તે બોલી રહ્યો છે કે, “તમારા ભાઈએ એક મર્ડર કરી દીધું છે. તમારો ભાઈ હવે થોડા દિવસોમાં અંદર (જેલમાં) જઈ રહ્યો છે.
હું મારા ભાઈઓ માટે તો કંઈ પણ કરી શકું છું. હવે હું તિહાર જેલ જઈ રહ્યો છું.” ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકનાર આરોપીની ઓળખ તરુણ ઉર્ફે કર્ણ તરીકે થઈ છે, જેની ઉંમર ૧૮ વર્ષ હોવાનું કહેવાય છે.
આ મામલે પોલીસે કેટલાક આરોપીઓની અટકાયત કરી છે, જેમની અત્યારે પૂછપરછ ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં અંદાજે અડધો ડઝન આરોપીઓ સામેલ હતા, જેઓ ઘટના બાદથી જ ફરાર છે. જાેકે, હાલ પોલીસે કેટલાક લોકોની અટકાયત ચોક્કસપણે કરી છે. પોલીસે મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારજનોને સોંપી દીધો છે.
તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં જાહેરમાં હત્યાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. થોડા મહિના પહેલા પણ કનોટ પ્લેસમાં મોડી રાત્રે પાર્ટીમાં ગયેલા ૩૬ વર્ષીય વેપારી શિવમ ગુપ્તાની કેટલાક લોકોએ માર મારીને હત્યા કરી દીધી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, ડિલિવરી બોય તરીકે કામ કરતા કેટલાક યુવકોએ નજીવી બોલાચાલી બાદ શિવમના માથા પર હેલ્મેટથી ર્નિદયતાપૂર્વક હુમલો કર્યો હતો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, શિવમ ગુપ્તાનું મોત ૧૯ જાન્યુઆરીએ થયું હતું, પરંતુ આ મામલે આરોપીઓની ધરપકડ હવે થઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ૩ જાન્યુઆરીની રાત્રે PCR પર માહિતી મળી હતી કે એક વ્યક્તિ કનોટ પ્લેસના ઈ બ્લોકમાં ઘાયલ અવસ્થામાં પડ્યો છે. પોલીસ ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તે વ્યક્તિની હાલત અત્યંત ખરાબ હતી. તેને તાત્કાલિક લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.





