
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. અને એટલે જ શ્રધ્ધા રાખનારા અંધશ્રધ્ધાનો શિકાર બને છે. આમ તો કહેવાય છે કે શ્રધ્ધા ને પુરાવાની શું જરૂર છે? પરંતુ હવે કળિયુગમાં જો શ્રધ્ધાની વાત કરો તો શંકા ઉત્પન્ન કરી સામે આપણને પૂછે કે હોય? આવું બનતું હશે? એટલે એમ કહેવાય કે શ્રધ્ધા ને પુરાવાની જરૂર છે. અંધશ્રધ્ધાને નહીં? એનો તાજો દાખલો એટલે મહારાષ્ટ્રના નાસિકનો અશોક ખરાત. આમ પણ અંધશ્રધ્ધા એક એવી બીમારી છે જેનો ઈલાજ હાથવગો હોવા છતાં એ એક મહામારીનું રૂપ ધારણ કરીને બેઠી છે. વ્યક્તિને પોતાની ક્ષમતા કરતાં કોઈ ચમત્કાર પર વધુ ભરોસો હોય ત્યારે એ અંધશ્રધ્ધાના રસ્તે વળે છે. અને બરબાદી ને નોંતરે છે. પવન વાય છે આપણને એની અનુભૂતિ થાય છે એ દેખાતો નથી છતાં આપણે માનીએ છીએ કે પવન છે એ કુદરતી ચમત્કાર છે. એને પુરાવાઓની જરૂર નથી.
આપણે જે નિહાળી શકતા નથી, ફકત અનુભવી શકીએ છીએ એવી કોઈ અલૌકિક શક્તિને આપણે કુદરત અથવા તો ચોક્કસ ધાર્મિક અથવા તો સાંપ્રદાયિક માન્યતા પ્રમાણે જુદા જુદા નામ આપ્યા છે. એના પર અંગત માન્યતા મુજબ કોઈ વ્યક્તિને વિશ્વાસ અથવા તો શ્રધ્ધા હોઈ શકે. શ્રધ્ધા એ એકદમ અંગત વિષય હોવાથી કોઈ બીજાને એ સામે વાંધો ન હોઈ શકે. સવાલ ત્યારે થાય જ્યારે એ બે વચ્ચે કોઈ કાળા માથાનો માણસ આવે અને પોતાને કુદરતનો અવતાર તરીકે ખપાવી એ ધ્વારા કોઈ ને કોઈ લાભ લે. એ વખતે વ્યક્તિની શ્રધ્ધા અને અંધશ્રધ્ધામાં ફેરવાઇ જાય.
અને એમાં અશોક ખરાત જેવા ભોંદુ બાબાને મરાઠી ભાષામાં આવા ધુતારાઓ માટે ભોંદુબાબા શબ્દ છે. મહારાષ્ટ્રના આ લેટેસ્ટ ભોંદુ બાબાનું નામ છાપે ચડયુ એમાં તો મહારાષ્ટ્રમાં ભૂકંપ આવી ગયો અને હવે જ્યારે બાબા જેલમાં છે અને એની SIT ધ્વારા તપાસમાં જ્યારે સત્ય બહાર આવશે ત્યારે ભલભલાના લગ્નજીવનમાં પણ ભૂકંપ આવે તો નવાઈ નહીં.





