
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશભરમાં ચર્ચાની ચકડોળે ચઢેલા નાશિકના ભોંદુબાબા અશોક ખરાતના કેસની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસ કરી રહી છે અને પોલીસે વિવિધ કેસોમાં આરોપી અશોક ખરાતની પોલીસ કસ્ટડી લંબાવી છે. ગઈકાલે રાજય મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ રૂપાલી ચાકણકરની પણ SIT ધ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કુલ ૦૭ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. એમાંથી બે કલાક તો SIT ના હેડ તેજસ્વી સાતપુતે તેમને સવાલો કર્યા હતા.
અન્ય રાજકીય જૂથો કોના ઇશારે અશોક ખરાતના મંદિરમાં આવી રહ્યા હતા? રૂપાલી ચાકણકરના અશોક ખરાત સાથે સંબંધિત નાણાંકીય વ્યવહારો કયા બેન્ક ખાતાઓ ધ્વારા કરવામાં આવ્યા હતા એ વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ SIT ના ઓફિસરો ધ્વારા તેમને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં તમે અશોક ખરાત સાથે ક્યારે સંબંધમાં હતા? શું તમે શિવનિકા સંસ્થામાં હતા ત્યારે અશોક ખરાતના આ બધા કેસોથી વાકેફ હતા? અશોક ખેરાત સાથે કરવામાં આવતી પૂજા અને ધાર્મિક વિધિઓ બરાબર હતી? શું પૂજાવિધિનો અશોક ખરાત સાથે કોઈ નાણાંકીય સંબંધ હતો? અશોક ખરાત સાથેનો ફોટો અને વિડીયો ક્યારે લેવામાં આવ્યા છે? એ કયા કાર્યક્રમના છે? શિવનિકા સંગઠનની બેઠકોમાં શું કામ કરવામાં આવે છે? આ પ્રશ્નો SIT એ રૂપાલી ચાકણકરને પૂછ્યા હતા.
અંજલિ દમણિયાએ તપાસની માંગણી કરી.
સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ તપાસની માંગણી કરીને કહ્યું હતું કે “એવું કહેવામા આવી રહ્યું છે કે રૂપાલી ચાકણકરે SIT તપાસ માટે જતી વખતે રસ્તામાં પોતાની કાર બદલી હતી. ઉપરાંત પુણેથી નાશિક જતી વખતે રૂપાલી ચાકણકરે ત્રણ થી ચાર વખત તેમની કાર રોકી હતી. આ બાબતની પણ તપાસ થવી જોઈએ.”





