
મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! એકનાથ શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ મુકવામાં આવ્યો
મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી હલચલ જાેવા મળી છે, જ્યાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની શિવસેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સત્તાધારી મહાયુતિના સહયોગી પક્ષ શિવસેનાના નેતાઓના નિવાસસ્થાન અને કાર્યાલયો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. શિંદેના પૂર્વ ધારાસભ્ય શહાજી બાપુ પાટીલના કાર્યાલય પર એલસીબી (LCB) અને ચૂંટણી અધિકારીઓ રેડ પાડવા પહોંચ્યા હતા.
શહાજી બાપુ પાટીલના કાર્યાલય પર સાંગોલા ખાતે દરોડા પાડવામાં આવ્યા, જેના કારણે મોટી હલચલ મચી ગઈ હતી. આ દરોડા દરમિયાન, એલસીબી(LCB) અને ચૂંટણી પંચની ટીમે રેકોર્ડિંગ પણ કર્યું હતું. આ સિવાય, સાંગોલામાં આવેલા ધારાસભ્ય બાબાસાહેબ દેશમુખના પ્રચાર કાર્યાલયની પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
એકનાથ શિંદે જૂથના નેતા શહાજી બાપુ પાટીલે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પાલક મંત્રી જયકુમાર ગોરે અને પૂર્વ ધારાસભ્ય દીપક આબા સાળુંખેના ઈશારે કરવામાં આવી છે. તેમણે સીધો આક્ષેપ કર્યો કે ભાજપને સાંગોલા નગર પરિષદની ચૂંટણીમાં પોતાની હાર સ્પષ્ટ દેખાઈ રહી હોવાથી, તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને આ રાજકીય કાર્યવાહી તેનું જ પરિણામ છે.




