
EPFOમાં મોટા ફેરફારની શક્યતા: લઘુત્તમ પેન્શન રકમ ₹1,000 થી વધારીને ₹2,500 કરવાની ચર્ચા શક્ય
ટ્રેડ યુનિયનો અને વિવિધ પેન્શનરોના સંગઠનો લાંબા સમયથી કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ પેન્શન રકમ વધારીને ₹7,500 કરવાની માંગ કરી રહ્યા છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેંગલુરુમાં તા. ૧૦ અને ૧૧ ઓક્ટોબરના રોજ બેઠક થવાની છે. રિપોર્ટ અનુસાર, આ બેઠકમાં લઘુત્તમ પેન્શન રકમ ₹1,000 થી વધારીને ₹2,500 પ્રતિ માસ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે. EPFO હેઠળની કર્મચારી પેન્શન યોજના (EPS-95) હેઠળ હાલ લઘુત્તમ પેન્શન ₹1,000 છે, જે 2014માં નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી અપરિવર્તિત છે.
વિવિધ કર્મચારી સંગઠનો લાંબા સમયથી મોંઘવારીને ધ્યાને લઇ પેન્શનમાં વધારો કરવાની માંગણી કરી રહ્યાં છે. જોકે અહેવાલો સૂચવે છે કે CBT પેન્શન રકમમાં સીધો 7.5 ગણો વધારો નહીં કરે, પરંતુ તેને ₹2,500 સુધી વધારવાનો વિચાર કરી શકે છે.
પેન્શન ગણતરી કેવી રીતે થાય છે?
પેન્શન યોગ્ય વેતન એટલે છેલ્લાં 60 મહિનાની સેવાનો સરેરાશ મૂળ પગાર + મોંઘવારી ભથ્થું, જેની મહત્તમ મર્યાદા ₹15,000 છે. પેન્શનપાત્ર સેવા – કુલ સેવા વર્ષોની સંખ્યા દર્શાવે છે. જો સેવા 6 મહિના કે વધુ હોય તો તેનું રાઉન્ડિંગ અપ થાય છે. પેન્શન માટે ઓછામાં ઓછા 10 વર્ષની સેવા ફરજિયાત છે.
અંદાજે, જો કોઈ સભ્યે 35 વર્ષ સેવા આપી હોય તો તેને દર મહિને આશરે ₹7,500 પેન્શન મળી શકે છે. EPFOના નિયમો અનુસાર, સભ્ય 58 વર્ષની ઉંમરે નિયમિત પેન્શન મેળવવા પાત્ર બને છે. જો કોઈ સભ્ય આ ઉંમર પહેલા નોકરી છોડે છે તો તેને ઓછું પેન્શન કે ઉપાડ લાભ મળે છે.
EPFO 3.0 પ્રોજેક્ટ પણ મુખ્ય એજન્ડા
આ બેઠકનો બીજો મહત્વપૂર્ણ મુદ્દો EPFO 3.0 પ્રોજેક્ટ છે. EPFO સંસ્થાને સંપૂર્ણ રીતે ડિજિટલ અને પેપરલેસ બનાવવા માટે આ યોજના છે. તેમાં NEFTથી સીધા PF ઉપાડ, UMANG દ્વારા તાત્કાલિક PF ઉપાડ, રિયલ ટાઇમ ક્લેમ સેટલમેન્ટ, ડેથ ક્લેમ માટે ઓનલાઈન પ્રક્રિયા અને ઓટોમેટિક ડેટા ઇન્ટિગ્રેશન જેવી સુવિધાઓ શામેલ હોઈ શકે છે.
ટેકનિકલ અમલ માટે Infosys, Wipro અને Tata Consultancy Services (TCS) જેવી કંપનીઓને જવાબદારી સોંપવામાં આવી છે. કેટલીક સિસ્ટમ ચકાસણી અને ટેકનિકલ વિલંબ હોવા છતાં, પ્રોજેક્ટ આગામી વર્ષે શરૂ થવાની સંભાવના છે.




