સેમસન અને નમન ધીરની વિસ્ફોટ બેટિંગ ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, ભારતે ન્યૂઝીલેન્ડને ૪ વિકેટે હરાવ્યું ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા ભારતને જીત માટે ૨૨૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો, તેના જવાબમાં ભારતે એક બોલ બાકી રાખી ચાર વિકેટે જીત નોંધાવી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી૨૦ સીરિઝની પહેલી મેચ ભારતે બાજી મારી લીધી છે. ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવરમાં રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો ર્નિણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગ કરતા ભારતને જીત માટે ૨૨૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો, તેના જવાબમાં ભારતે એક બોલ બાકી રાખી ચાર વિકેટે જીત નોંધાવી છે. ટી૨૦ ઇન્ટરનેશનલમાં પહેલીવાર ભારતે આટલો મોટો ટોટલ સફળતાપૂર્વક પાર પાડ્યો છે. ભારતીય ટીમ માટે જીતનો હીરો સંજુ સેમનસ અને નમન ધીર રહ્યા. સંજુએ ૬૭ રન બનાવીને જીતનો પાયો નાખ્યો, જ્યારે નમન ધીરે માત્ર ૧૫ બોલમાં ૪૨ રન ફટકારી જીત નક્કી કરી હતી. જેમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા સામેલ હતા.
રનચેઝમાં ભારતીય ટીમની શરૂઆત તોફાની રહી. સંજુ સેમસન અને અભિષેક શર્મા વચ્ચે ૫.૫ ઓવરમાં ૯૩ રનની પાર્ટનરશીપ થઈ હતી. સેમસને ૮ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૩૩ બોલમાં ૬૭ રન બનાવ્યાં. જ્યારે અભિષેક શર્માએ ૧૨ બોલમાં ૨૯ રનનું યોગદાન આપ્યું, જેમાં ૩ ચગ્ગા અને બે ચોગ્ગા સામેલ રહ્યાં. માઇકલ બ્રેસવેલે અભિષેકને આઉટ કરી ઓપનિંગ પાર્ટનરશીપ તોડી. જ્યારે કેપ્ટન મિચેલ સેન્ટનરે સેમસનને ચાલતો કર્યો હતો. બ્રેસવેલે તિલક વર્માને પણ ૬ રને આઉટ કરી દીધો. જ્યારે સેન્ટનરે ઈશાન કિશનને પોતાની ફિરકીની જાળમાં ફસાવ્યો.
ત્યાર બાદ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે પાંચમી વિકેટ માટે ૪૫ રન જાેડીને ભારતનું મેચમાં કમબેક કરાવ્યું હતુ. અક્ષરે ૨૪ રન બનાવ્યાં અને તે લોકી ફર્ગ્યૂસનનો શિકાર બન્યો. ત્યાર બાદ શ્રેયસ અને નમન ધીરે મળીને છઠ્ઠી વિકેટ માટે ૨૨ બોલમાં ૪૩ રનની પાર્ટનરશીપ કરી. શ્રેયસ ઇનિંગની ૧૯મી ઓવરના પહેલા બોલ પર આઉટ થઈ ગયો હતો. શ્રેયસે ૨ ચોગ્ગા અને એક છગ્ગાની મદદતી ૨૮ બોલમાં ૪૨ રન બનાવ્યાં હતા. અહીંતી નમન ધીર અને નીતિશ કુમાર રેડ્ડીએ ભારતને જીત અપાવી.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે ૪ વિકેટ પર ૨૨૫ રન બનાવ્યાં હતા. ન્યૂઝીલેન્ડની શરૂઆત શાનદાર રહી. ટિમ સીફર્ટ અને ફિન એલને પહેલી વિકેટ માટે ૪૯ રનની પાર્ટનરશીપ કરી હતી. મયંક યાદવે ટિમ સીફર્ટને ૨૪ રને આઉટ કરી પાર્ટનરશીપનો અંત કર્યો હતો. ત્યાર બાદ અક્ષર પટેલે ખતરનાક ફિન એલનની વિકેટ લીધી હતી. અલને ૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૨૪ બોલમાં ૪૫ રન બનાવ્યાં હતા. ડેરિલ મિચેલે ૨૮ રન બનાવીને અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો.
અહીંથી ગ્લેન ફિલિપ્સ અને બેવન જેકબ્સે ચોથી વિકેટ માટે ૩૨ બોલમાં ૭૩ રનની પાર્ટનરશીપ કરી. અર્શદીપ સિંહે જેકબ્સને રન આઉટ કર્યો હતો. જેના લીધે આ ખતરનાક પાર્ટનરશીપ તૂટી હતી. જેકબ્સે ૩ છગ્ગાની મદદથી ૧૬ બોલમાં ૩૧ રન બનાવ્યાં હતા. જેકબ્સના આઉટ થયા પછી ફિલિપ્સે ન્યૂઝીલેન્ડને વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું. ફિલિપ્સે ૮ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૪૦ બોલમાં અણનમ ૮૨ રન બનાવ્યાં હતા. ભારત તરફથી અર્શદીપ સિંહ, મયંક યાદવ અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી.




