
ઇ૨૦ પેટ્રોલ વાહનો માટે સલામત હોવાનો દાવો ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્ર સરકારે ફગાવ્યો ભારત કુલ ઉર્જા જરૂરિયાતના ૮૮ ટકાની આયાત કરે છે ત્યારે સ્વચ્છ ઉર્જા અને જૈવિક ઇંધણનો ઉપયોગ જરૂરી
ઓઇલ મંત્રી હરદીપસિંઘ પુરીએ મંગળવારે જૈવિક ઇંધણ ના કારણે ઓટોમોબાઇલ એન્જિનને નુકસાન થતું હોવાના દાવાને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે ૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવો તે પર્યાવરણની રીતે સલામત છે. પુરીએ સેમિનારમાં જણાવ્યું હતું કે જૈવિક ઇંધણ વાહનો માટે નુકસાનકારક હોવાની ફરતી વાતો તદ્દન ખોટી અને વાહિયાત છે.
પેટ્રોલમાં મિશ્રિત કરવામાં આવતું ૨૦ ટકા ઇથેનોલ શેરડી કે ખાદ્ય પદાર્થમાંથી મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ સલામત છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશના લગભગ ૯૦ હજારથી પણ વધારે પેટ્રોલ પમ્પ ઇ૨૦ પેટ્રોલનું વેચાણ કરે છે. તેમા ૮૦ ટકા પેટ્રોલ અને ૨૦ ટકા ઇથેનોલ હોય છે. કેટલાક મોટરિસ્ટોએ ફરિયાદ કરી છે કે તેના લીધે જૂના વાહનો પર અસર પડે છે.
આ પ્રકારે ચાલતી ગૂંચવણમાં કાર ઉત્પાદકોએ તેમ કહીને ઉમેરો કર્યો હતો કે ઇ૨૦ ફ્યુઅલ જૂના વાહનોમાં ચાલે કે નહીં તેની ચકાસણી થઈ નથી, પરંતુ તેના પછી તેઓએ પારોઠના પગલાં ભરતાં જણાવ્યું હતું કે તેનો ઉપયોગ સલામત છે.
પુરી અને તેમના મંત્રાલયે ઇ૨૦ પેટ્રોલ અંગેના ડરના પાયાવિહીન ગણાવ્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે જૂના વાહનોએ થોડા રબર પાર્ટસ બદલવા પડશે અને ગાસ્કેટ્સ બદલવી પડશે જે સરળ પ્રક્રિયા છે.
પુરીએ મંગળવારે જણાવ્યું હતું કે ૨૦૧૪ સુધીમાં દેશમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની ટકાવારી ૧.૪ ટકા હતી. હવે તેમા આ ટકાવારી વધારીને ૨૦ ટકા સુધી લઈ જવાઈ છે. અમે હાલમાં તેમાં કોઈ મોટો વધારો કરવાનું આયોજન ધરાવી રહ્યા નથી. મંત્રાલયોમાં આ ટકાવારી વધારીને ૨૭ ટકા કે ૩૦ ટકા સુધી લઈ જવાની વિચારણા ચાલી રહી છે, પણ આ બધું ફક્ત વિચારણા છ.ે હાલના તબક્કે સરકાર આ ૨૦ ટકાથી આગળ વધવાનું કોઈ આયોજન ધરાવતી નથી. તેની અસરોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણએ જણાવ્યું હતું કે દેશની ૮૮ ટકા આયાત ઇંધણથી પૂરી થતી હોય ત્યારે જૈવિક ઇંધણ અને સ્વચ્છ ઉર્જા સમયની માંગ છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના અંદાજ મુજબ આગામી બે દાયકામાં ભારતની ઉર્જા માગ વૈશ્વિક માંગની તુલનાએ ત્રણ ગણો વધારો થશે. આમ કુલ વૈશ્વિક માંગમાંથી ૨૫ ટકા હિસ્સો ભારતમાંથી આવશે.




