ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરક્ષા દળોએ ભારતીય જળસીમામાં ગેરકાયદે માછીમારી કરતી બે બાંગ્લાદેશી ફિશિંગ બોટને જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં 78 બાંગ્લાદેશી માછીમારોની પણ અટકાયત કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ ICG સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન (IMBL) પાસે નિયમિત પેટ્રોલિંગ પર હતું. તેણે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય પ્રાદેશિક જળસીમામાં શંકાસ્પદ ગતિવિધિ શોધી કાઢી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે બે બાંગ્લાદેશી ફિશિંગ બોટ, “FV લૈલા-2” અને “FV મેઘના-5” પરવાનગી વગર ભારતીય વિસ્તારમાં માછીમારી કરી રહી હતી.
આ બોટ બાંગ્લાદેશમાં નોંધાયેલી હતી અને તેમાં અનુક્રમે 41 અને 37 ક્રૂ હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને આ બંને બોટને અટકાવી તપાસ કરી હતી. પકડાયેલા માછીમારોને આગળની કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.
દરિયાઈ સુરક્ષા પર કોસ્ટ ગાર્ડનું ધ્યાન
ભારતીય કોસ્ટ ગાર્ડે આ ઓપરેશનને નોંધપાત્ર સફળતા ગણાવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલું માત્ર ભારતીય દરિયાઈ અસ્કયામતોની સુરક્ષા માટે જ નહીં પરંતુ ગેરકાયદેસર ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા માટે પણ છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા ભવિષ્યમાં પણ આ પ્રકારનું પેટ્રોલિંગ અને કાર્યવાહી ચાલુ રહેશે.