
૧૦ વર્ષની જેલ થઈ શકે અમેરિકામાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર આરોપ છે કે તેમણે ચૂંટણી પ્રચાર માટે ભેગા થયેલા નાણાંનો અંગત મોજશોખ અને કારના હપ્તા ભરવા ઉપયોગ કર્યો હતો અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારતીય મૂળના જાણીતા જજ કેપી જ્યોર્જને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ફોર્ટ બેન્ડ કાઉન્ટીની અદાલતમાં એક સપ્તાહ સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ જ્યુરીએ તેમને ચૂંટણી ફંડના દુરુપયોગ સાથે જાેડાયેલા બે કેસમાં ગુનેગાર માન્યા છે. આરોપ છે કે તેમણે ચૂંટણી પ્રચાર માટે ભેગા થયેલા નાણાંનો અંગત મોજશોખ અને કારના હપ્તા ભરવા માટે ઉપયોગ કર્યો હતો. આ કેસમાં હવે ૧૬ જૂનથી સજાની પ્રક્રિયા શરૂ થશે, જેમાં તેમને ૨થી ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. હાલમાં તેઓ ૨૦,૦૦૦ ડૉલરના બોન્ડ પર મુક્ત થયા છે, પરંતુ શરત મુજબ તેમને પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડ્યો છે.
સરકારી વકીલોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે કેપી જ્યોર્જે જાણીજાેઈને પોતાના ચૂંટણી ફંડની વિગતોમાં ગેરરીતિ કરી હતી અને ડેલેવેર તેમજ મેસેચ્યુસેટ્સ જેવા રાજ્યોના બેન્ક ખાતાઓ દ્વારા નાણાંની હેરાફેરી કરીને તેનો ઉપયોગ પોતાના અંગત ખર્ચમાં કર્યો હતો. બીજી તરફ, કેપી જ્યોર્જના વકીલોએ દલીલ કરી હતી કે આ કેસ માત્ર અધૂરી માહિતી પર આધારિત છે અને તેમાં કોઈ ગેરકાયદેસર વ્યવહાર થયો નથી. જાેકે, જ્યુરીએ બચાવ પક્ષની દલીલોને ફગાવી દઈને તેમને ત્રીજા સ્તરના ગંભીર અપરાધ માટે દોષિત ઠેરવ્યા છે.
કેપી જ્યોર્જની સફર ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી છે. મૂળ કેરળના વતની જ્યોર્જનો જન્મ ભારતના એક એવા ગામમાં થયો હતો જ્યાં વીજળીની સુવિધા પણ નહોતી. ટ્રક ડ્રાઈવરના પુત્ર હોવાથી તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું, પરંતુ પોતાની મહેનતથી તેઓ અમેરિકા પહોંચ્યા અને રાજકારણમાં મોટું નામ બનાવ્યું. વર્ષ ૨૦૧૮માં તેમણે ફોર્ટ બેન્ડ કાઉન્ટીના પ્રથમ અશ્વેત જજ બનીને ઇતિહાસ રચ્યો હતો. ભારતીય-અમેરિકન સમુદાયમાં તેઓ એક મોટો ચહેરો ગણાય છે.
કાયદાકીય પ્રક્રિયા મુજબ, દોષિત જાહેર થયા બાદ પણ અત્યારે તેમનું પદ તાત્કાલિક નહીં જાય. સજાની જાહેરાત થયા પછી જ તેમને પદ પરથી હટાવવાની કાર્યવાહી થઈ શકે છે. જાે તેઓ આ ફેંસલા સામે ઉપલી અદાલતમાં અપીલ કરશે, તો આ કાનૂની લડાઈ વધુ લાંબી ખેંચાઈ શકે છે. આ ઉપરાંત, તેમની સામે ઓળખ છુપાવવા સંબંધિત અન્ય એક નાનો કેસ પણ ચાલી રહ્યો છે, જેની સુનાવણી મે મહિનામાં શરૂ થવાની શક્યતા છે.





