
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આ જગતમાં અનેક પ્રકારના લોકો છે. કોઈ શ્રધ્ધામાં વિશ્વાસ રાખે છે તો કોઈ અંધશ્રધ્ધા ને કારણે જીવન બરબાદ કરે છે. આમ કબીરજીએ કહ્યું હતું કે ઇસ જગત મે ભાત ભાત કે લોગ. અને એવી જ શ્રધ્ધાનો એક કિસ્સો અત્રે પ્રસ્તુત છે.
વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે આગ્રાનો પહેલવાન ગૌરવ ચાહર કમરથી ગાડી ખેંચીને સંત પ્રેમાનંદ મહારાજ ને મળવા માટે ૯૦ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને રવિવારે વૃંદાવન પહોંચ્યો હતો. ગૌરવનું લક્ષ્ય મહારાજના આશીર્વાદ મેળવવાનું અને યુવાનોમાં શક્તિ અને ભક્તિનો સંદેશ ફેલાવવાનું છે. ગૌરવ ચાહર વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના પ્રવચનોથી પ્રભાવિત છે અને તેમની સાથે વ્યક્તિગત રીતે વાત કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માંગતો હોવાથી તેણે આગ્રાથી વૃંદાવનની યાત્રા જરા અલગ રીતે કરી હતી. બીજી એપ્રિલે પોતાના વતનથી તેણે યાત્રા શરૂ કરી હતી. તડકા અને ખડકાળ રસ્તાઓથી નિરાશ થયા વિના ગૈરવે પોતાની કમર પર જાડું દોરડું બાંધ્યું હતું. અને ભારેકાર ખેંચવાનું શરૂ કર્યું હતું. આગ્રાથી વૃંદાવનનું આશરે ૯૦ કિલોમીટરનું અંતર તેણે રવિવારે પૂર્ણ કર્યું હતું. કાર ખેંચીને ગૌરવ વૃંદાવન પહોંચ્યો ત્યારે વાતાવરણ રાધે-રાધેના નારાથી ગુંજી ઊઠયું હતું. સ્થાનિક લોકો અને યાત્રાળુઓની મોટી ભીડ તેને જોવા માટે એકઠી થઈ હતી.
પહેલવાન ગૌરવ ચાહરનો આ પ્રયાસ ફકત રેકોર્ડ બનાવવાનો ન હોતો. પરંતુ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા અને શારીરિક તંદુરસ્તીને આધ્યાત્મિકતા સાથે જોડવાનો સંદેશ આપવાનો હતો. જોકે ભારે ભીડ અને સુરક્ષા ચિંતાઓને કારણે રવિવારે તે મહારાજને મળી શક્યો ન હોતો. પરંતુ તેનું કહેવું છે કે હું દર્શન કર્યા વિના અને આશીર્વાદ લીધા વિના પાછો નહીં આવું.





