(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ઘ્વારા) સુરત
આજના સમયે કાળા માથાના માનવી એ જમીન થી લઈ ઊંચે આકાશને આંબવાની જે સ્પર્ધા લગાવી છે એ સ્પર્ધામાં વધતી જતી ટેકનોલોજી અને એને લઈને રોજે રોજ ઉત્પન્ન થતા નવા નવા લેટેસ્ટ વાહનો લઈ ને નિકળી પડનારા નબીરાઓ વાહનને એટલી ઝડપે ચલાવે છે કે કયારે ક્યાં આ શેતાની ચરખા જેવું વાહન ઊંધુ પડી વાહન ચાલકનો જીવ લેશે એ નક્કી નથી. કારણ કે વધતી જતી વસતી અને વધતા જતા વાહનોને કારણે સાંકડા પડતા રસ્તાઓ માં થતા મૃત્યુ થી જિંદગી હવે સસ્તી થઈ રહી છે અને આપણે મૌન બની રહ્યા છીએ.
આજે દરેક શહેરોની એ પરિસ્થિતિ થઈ છે કે રસ્તાની બાજુએ ચાલવા માટે ફૂટપાથ નથી. એક બાજુ ઝડપથી દોડતા વાહનો અને બીજી બાજુ દુકાનો,પાર્ક કરેલી ગાડીઓ કે બાંધકામ વચ્ચે રાહદારીઓ રસ્તા પર ચાલવા મજબૂર બને છે. અને અચાનક એક ફૂલ સ્પીડે પાછળથી આવતું વાહન એ ચાલનારા રાહદારીને ઉડાવી ભીડમાં અદ્રશ્ય થઈ જાય છે ત્યારે આ બેદરકારીથી આવીને ટક્કર મારી ચાલ્યા ગયેલા અજાણ્યા વાહનચાલકને પ્રતાપે રાહદારી પોતાના ઘરે કાયમ માટે પાછો જતો નથી કારણ એ ત્યાં જ મોતને ભેટેલો હોય છે.
અને આ ઘટના ના તરત જ સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલ પર સમાચારો પ્રસારિત થાય છે કે “ગમખ્વાર અકસ્માતમાં રસ્તે ચાલનારા રાહદારીનું મોત” આમ આવી વધુ એક ઘટના
બ્રેકિંગ ન્યૂઝ હેઠળ દસ સેકન્ડ સ્ક્રીન પર ચમકી ખીણમાં વિલીન થઈ જાય છે.
આમ ફૂટપાથ બનતા નથી, બનેલા છે એ વેપારીઓએ કબજે કરેલા છે, રસ્તા પર ટ્રાફિક ની લંગાર છે, વાહનો ની ગતિ બદલાતી નથી. અને ડમ્પર, ટ્રક, સ્કુટર, કારની જોડે ભર ટ્રાફિક વચ્ચે તેમજ શાળા, કોલેજ અને ઓફિસ જવા-આવવાના વ્યસ્ત કલાકો વચ્ચે માનવી ચાલતો જ રહે છે.
આ રીતે કોઈની બેદરકારીને કારણે અન્ય નિર્દોષ નું મોત થાય છે, ત્યારે તંત્ર દ્વારા એને “અકસ્માત” ખપાવીને કેસની ફાઈલ બંધ કરી દેવા કરતા સરકારે અને આપણી ન્યાય વ્યવસ્થાએ હવે “અકસ્માત” અને “અપરાધિક બેદરકારીથી થતી હત્યા” વચ્ચેની પાતળી ભેદ રેખાને સ્પષ્ટ કરવી પડશે. અને નાગરિકોએ પણ અધિકારો માટે જાગૃત બનવું પડશે.




