આજે પણ ઘણા લોકો ભૂત-પ્રેત જેવી વસ્તુઓમાં વિશ્વાસ કરે છે. જો તેઓ કંઈપણ સામાન્ય કરતાં થોડું જુએ છે, તો તેઓ તરત જ તેને ભૂત અને આત્માઓ સાથે જોડવાનું શરૂ કરે છે. દક્ષિણ એશિયાઈ દેશ થાઈલેન્ડમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે ખૂબ જ વિચિત્ર છે. અહીં મ્યાનમારની બોર્ડર પર આવેલા એક ગામમાં લોકોને અલગ-અલગ અવાજો સંભળાતા હતા. ગામલોકોને તેની સત્યતા શું છે તેની કોઈ જાણ નહોતી.
આ ઘટના 24 નવેમ્બરે બની હતી, જ્યારે લોકોએ થાઈ-મ્યાનમાર બોર્ડર પર ટાક પ્રાંતના એક ગામ પાસે કેટલાક વિચિત્ર અવાજો સાંભળ્યા હતા. આ ગામ જંગલની નજીક છે, જેમાં એક કૂવો પણ છે. ગામલોકોને કૂવાની નજીકથી આવતા કેટલાક ભૂતિયા અવાજો સંભળાતા હતા. અંધકાર અને જંગલી પ્રાણીઓના ડરને કારણે તેઓ ત્યાં ગયા ન હતા. આખરે પોલીસે જઈને જોયું તો તેમને એક અલગ જ વાર્તા મળી.
કૂવામાંથી ‘ભૂતિયા’ અવાજો આવી રહ્યા હતા
અહેવાલ મુજબ, થાઈલેન્ડના એક ગામમાં ત્રણ દિવસ સુધી સતત વિચિત્ર અવાજ સંભળાયો ત્યારે તેઓએ પોલીસને જાણ કરી. આખરે જ્યારે પોલીસ આ મામલાની તપાસ કરવા પહોંચી ત્યારે સત્ય જાણીને તેઓ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે કૂવાની અંદરથી અવાજ આવી રહ્યો છે. 12 મીટર ઊંડા કૂવામાં પડી ગયેલો કોઈ ભૂત ન હતો પરંતુ એક માણસ હતો. અડધો કલાકના રેસ્ક્યુ બાદ તે માણસને બચાવી શકાયો હતો, જેની ડાબી બાજુનું કાંડું તૂટી ગયું હતું અને તેના શરીર પર ઉઝરડા હતા.
થોડી વાર રહી હોત તો…
જ્યારે આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે ચીની છે. આ 22 વર્ષના યુવકે જણાવ્યું કે તે 3 દિવસ પહેલા આ કૂવામાં ફસાઈ ગયો હતો. 3 દિવસ સુધી, તે કૂવામાંથી દર કલાકે લોકોને મદદ માટે બોલાવતો રહ્યો અને ખોરાક કે પાણી વિના ત્યાં રહ્યો. તેનો અવાજ ગામલોકોને ભૂતિયા લાગતો હતો અને તેઓ ડરથી કૂવાની નજીક પણ નહોતા ગયા. જ્યારે અવાજ વધુ મોટો થયો ત્યારે તેઓએ પોલીસને જાણ કરી. હાલમાં વ્યક્તિ ખતરાની બહાર છે અને તે અહીં કેવી રીતે પહોંચ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. હવે આ વ્યક્તિની સ્ટોરી ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.