
IPL ઓક્શન પહેલા સ્ટાર ખેલાડીનું નિવેદન.મારા મેનેજરથી ભૂલ થઇ ગઇ, હું બેટિંગ-બોલિંગ બંને કરીશ.૧૬ ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી મિની-હરાજી પહેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી.ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬ માટે ૧૬ ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી મિની-હરાજી પહેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ગ્રીનને ઓક્શન માટે રૂ. ૨ કરોડની બેઝ પ્રાઇસ સાથે બેટર તરીકે લિસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ તેણે જાહેર કર્યું છે કે તે આગામી સિઝનમાં માત્ર બેટર નહીં, પણ સંપૂર્ણ ઓલરાઉન્ડર તરીકે રમવા માટે ઉપલબ્ધ રહેશે અને બોલિંગ પણ કરશે.
કેમરન ગ્રીને આ ગેરસમજ માટે તેના મેનેજરને જવાબદાર ઠેરવ્યા છે. એડિલેડમાં એશિઝ સિરીઝ ૨૦૨૫-૨૬ની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટ્રેનિંગ સેશન દરમિયાન મીડિયા સાથે વાત કરતા ગ્રીને ખુલાસો કર્યો કે,IPL ૨૦૨૬ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરતી વખતે તેના મેનેજરથી ભૂલ થઈ ગઈ હતી. તેણે ભૂલથી ઓલરાઉન્ડરની જગ્યાએ બેટર નો વિકલ્પ પસંદ કરી લીધો. હું બોલિંગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. મારા મેનેજરથી આ દરમિયાન એક મોટી ભૂલ થઈ હતી. તેમનો ઈરાદો મને બેટર તરીકે નોંધાવાનો નહોતો, પરંતુ તેમણે ભૂલથી ખોટા બોક્સ પર ક્લિક કરી દીધું. આ બધું જેવું સામે આવ્યું, તે ખૂબ જ રમૂજી હતું, પરંતુ હકીકતમાં તે એક મોટી ભૂલ હતી.”
તેજ ગતિના ઓલરાઉન્ડરની શોધમાં રહેલી ફ્રેન્ચાઇઝી ટીમો માટે ગ્રીનનો આ ખુલાસો રાહતના સમાચાર છે. કેમરન ગ્રીને IPL ડેબ્યૂ ૨૦૨૩માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે કર્યું હતું, જ્યાં તેણે ૪૫૨ રન બનાવ્યા હતા અને ૬ વિકેટ પણ લીધી હતી.IPL ૨૦૨૪ પહેલા તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ((RCB))માં ટ્રેડ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે ૨૫૫ રન બનાવવા ઉપરાંત ૧૦ વિકેટ પણ ઝડપી હતી.
બેક ઈજાને કારણે સર્જરી કરાવ્યા બાદ ગ્રીને IPL ૨૦૨૫ મેગા ઓક્શનમાં ભાગ લીધો ન હતો. હવે સંપૂર્ણપણે ફિટ થઈને તે IPL વાપસી માટે તૈયાર છે અને માનવામાં આવી રહ્યું છે કે IPL ૨૦૨૬ના ઓક્શનમાં તે સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક સાબિત થઈ શકે છે.




