ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ : જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ઇતિહાસ રચતા જાપાન ઓપન સુપર ૭૫૦નો ખિતાબ પોતાના નામે કર્યો
ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન સુપર ૭૫૦ ટૂર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. ૧૯ જુલાઈ (રવિવાર) ના રોજ રમાયેલા ખિતાબી મુકાબલામાં પીવી સિંધુએ જાપાનની અકાને યામાગુચીને સીધા ગેમોમાં ૨૧-૧૭, ૨૧-૧૭ થી હરાવી. આ ખિતાબી મુકાબલો ૫૦ મિનિટ સુધી ચાલ્યો હતો.
પીવી સિંધુ જાપાન ઓપન જીતનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન પ્લેયર છે. આ પહેલા આ ટૂર્નામેન્ટના કોઈપણ વર્ગમાં કોઈ ભારતીય ખેલાડીએ ખિતાબ જીત્યો ન હતો. હવે પ્રથમ વખત કોઈ ભારતીય ખેલાડી અહીં ફાઇનલમાં પહોંચ્યો અને ખિતાબ પર પણ કબજાે જમાવ્યો. સિંધુએ ન માત્ર ઇતિહાસ રચ્યો, પરંતુ ભારતીય બેડમિન્ટન માટે એક નવો અધ્યાય પણ લખી દીધો છે.
આ જીત પીવી સિંધુ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમણે ૧૯ મહિના પછી BWF વર્લ્ડ ટૂરમાં કોઈ ખિતાબ પોતાના નામે કર્યો છે. આ પહેલા તેમનો છેલ્લો ખિતાબ ડિસેમ્બર ૨૦૨૪ સૈયદ મોદી ઇન્ટરનેશનલમાં આવ્યો હતો. લાંબા સમયથી ફિટનેસ અને ફોર્મ સામે ઝઝૂમી રહેલી સિંધુએ આ જીત સાથે દમદાર વાપસીનો સંકેત આપ્યો છે.
પીવી સિંધુએ પોતાના કરિયરમાં પ્રથમ વખત BWF સુપર ૭૫૦ સિરીઝનો ખિતાબ જીત્યો છે. સાથે જ, ૨૦૧૯ માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ આ તેમનો પ્રથમ મોટો આંતરરાષ્ટ્રીય ખિતાબ પણ છે. જાેવામાં આવે તો, ૩૧ વર્ષીય સિંધુ અને અકાને યામાગુચી વચ્ચે આ ૩૦મી ટક્કર હતી. આ દરમિયાન સિંધુએ ૧૬ અને યામાગુચીએ ૧૪ મુકાબલા જીત્યા છે.
આ વર્ષે મલેશિયામાં બંને વચ્ચેની પાછલી ટક્કર અધૂરી રહી ગઈ હતી કારણ કે પ્રથમ ગેમ હાર્યા બાદ અકાને યામાગુચી ઈજાના કારણે મેચમાંથી હટી ગઈ હતી. જાે કે, તે પહેલા રમાયેલા ૧૦ મુકાબલામાંથી ૭ માં જાપાની ખેલાડીએ જીત મેળવી હતી. જાપાન ઓપનની ફાઇનલમાં મળેલી આ જીત પીવી સિંધુ માટે માત્ર એક ખિતાબ જ નહીં, પરંતુ પોતાની સૌથી મોટી હરીફને દમદાર જવાબ પણ સાબિત થઈ છે. પીવી સિંધુએ સેમિફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન ચેન યુફેઈને ૨૧-૧૯, ૧૫-૧૦ થી પરાજિત કરી હતી.
ચીનની ખેલાડી યુફેઈ હેમસ્ટ્રિંગ ઈન્જરીના કારણે આ મુકાબલો પૂરો કરી શકી ન હતી. સિંધુ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર લયમાં જાેવા મળી અને ફાઇનલમાં પણ તે જ આત્મવિશ્વાસ સાથે રમતા ખિતાબ પોતાના નામે કરી લીધો.





