ઇઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ સ્થિત રાહત શિબિર પર હવાઈ હુમલો કર્યો. જેમાં 20 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. સ્થાનિક સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બુધવારે ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ મવાસી વિસ્તારમાં રાહત શિબિર પર મિસાઇલોથી હુમલો કર્યો હતો. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ગાઝામાં પેલેસ્ટિનિયન સિવિલ ડિફેન્સે એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની ટીમ ઈઝરાયેલના હુમલા બાદ તંબુઓમાં લાગેલી આગને ઓલવવાનું કામ કરી રહી છે.
ઇઝરાયેલના હુમલામાં બાળકોના પણ મોત થયા હતા
ડૉક્ટરોએ સિન્હુઆને જણાવ્યું કે બચાવ ટીમોએ પાંચ બાળકો સહિત 20 મૃતકોના મૃતદેહ બહાર કાઢ્યા અને ડઝનેક ઘાયલોને હોસ્પિટલમાં લઈ ગયા. ઈઝરાયેલી સેનાએ હજુ સુધી આ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તમને જણાવી દઈએ કે, આ હુમલો એવા વિસ્તાર પર કરવામાં આવ્યો છે જેને ઈઝરાયેલ દ્વારા માનવતાવાદી રીતે સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. 7 ઓક્ટોબર, 2023 ના રોજ દક્ષિણ ઇઝરાયેલની સરહદ પરથી હમાસના હુમલાના જવાબમાં ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસ સામે મોટા પાયે હુમલો કરી રહ્યું છે.
અત્યાર સુધીમાં 44,000 થી વધુ પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા છે
હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ગાઝાના આરોગ્ય અધિકારીઓએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ હુમલામાં અત્યાર સુધીમાં માર્યા ગયેલા પેલેસ્ટાઈનોની સંખ્યા વધીને 44,532 થઈ ગઈ છે.