Kuwait News : ખાડી દેશ કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં બુધવારે એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં 5 ભારતીયો સહિત ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. કુવૈતની સત્તાવાર સમાચાર એજન્સીએ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. બુધવારે સવારે આગ લાગી હતી અને બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી.
થોડી જ વારમાં આગ બહુમાળી ઈમારતના અનેક માળ સુધી પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 ભારતીયો કેરળના રહેવાસી છે. કુવૈતી સત્તાવાળાઓનું કહેવું છે કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને આગનું કારણ જાણવામાં આવી રહ્યું છે.
આગ સ્થાનિક સમય અનુસાર સવારે 4 વાગે બિલ્ડિંગમાં લાગી હતી. આ દરમિયાન મોટાભાગના લોકો સૂઈ ગયા હતા, જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં સમય લાગ્યો હતો. આ ઇમારતનો ઉપયોગ ઔદ્યોગિક પ્લાન્ટમાં કામ કરતા લોકો માટે લેબર કેમ્પ તરીકે થાય છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં મલયાલી ભાષી લોકો પણ રહે છે.
આગ એટલી ગંભીર હતી કે ઘણા લોકો ડરીને બારીમાંથી નીચે કૂદી પડ્યા હતા. જીવ બચાવવાના આ પ્રયાસમાં પણ તેને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે.
ફાયર બ્રિગેડ અને પોલીસે આ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ઘાયલ થયેલા લોકોમાંથી ઘણાની હાલત નાજુક છે.