ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદના ઉકેલની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં ડિસેમ્બરના અંતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે વિશેષ પ્રતિનિધિ (SR) મંત્રણા થવાની છે. ગલવાન ખીણમાં 2020ની અથડામણ પછી આ વાતચીત પ્રથમ ઉચ્ચ સ્તરીય ચર્ચા હશે. અગાઉની SR મીટિંગ ડિસેમ્બર 2019 માં યોજાઈ હતી, જે વિવાદ વધતા પહેલા હતી.
તાજેતરમાં ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવાથી વાટાઘાટો અંગે સકારાત્મક સંકેતો મળ્યા છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રણાઓ સરહદ વિવાદના વ્યાપક ઉકેલ તરફ નવો માર્ગ મોકળો કરી શકે છે.
સરહદ સ્પષ્ટ કરવા પર ચર્ચા થશે
અહેવાલ અનુસાર, આ વાટાઘાટો દરમિયાન અનેક સ્તરની ચર્ચાઓ થશે, જેનો ઉદ્દેશ્ય વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવાનો અને તેને કાયમી ધોરણે ઉકેલવા માટેના પ્રયાસો કરવાનો રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકના પરિણામ નક્કી કરશે કે આગામી કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક ક્યારે યોજાશે. આ બેઠક પેટ્રોલિંગ અને બફર ઝોન જેવા ઓપરેશનલ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી ભવિષ્યમાં તકરાર ટાળી શકાય.
તણાવ ઘટાડવા માટે સતત પ્રયત્નો
ભારત અને ચીને 2020થી સરહદી તણાવ ઘટાડવા માટે સૈન્ય અને રાજદ્વારી સ્તરે અનેક પ્રયાસો કર્યા છે. આગામી વાટાઘાટો બંને દેશો માટે મતભેદોને ઉકેલવા, પરસ્પર વિશ્વાસ વધારવા અને સરહદ વિવાદના સંચાલન માટે કાયમી માળખું સ્થાપિત કરવાની એક મહત્વપૂર્ણ તક છે.