
અમારું નિશાન ભારત નથી : અમેરિકા જયશંકરે રૂબિયો સામે ઉઠાવ્યો US વિઝાનો મુદ્દો અમારા દેશમાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસેલા છે : રુબિયો ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે દિલ્હીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદેશ મંત્રી એસ.જયશંકરે યુએસ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો છે. તો રુબિયોએ પણ અમેરિકન અર્થવ્યવસ્થામાં ભારતીયોનું મોટું યોગદાન હોવાનો સ્વીકાર કર્યો છે અને અમેરિકામાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસેલા હોવાનું નિવેદન આપ્યા બાદ તેમણે કહ્યું છે કે, અમારું નિશાન ભારત નથી.
વાતચીત દરમિયાન જયશંકરે ભારતના માન્ય પ્રવાસીઓને અમેરિકન વિઝા મળવામાં મુશ્કેલી આવતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. જેના જવાબમાં રુબિયોએ કહ્યું કે, ‘સૌથી પહેલા હું અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીયોના યોગદાનને સ્વિકાર કરું છું. ભારતીય કંપનીઓએ અમેરિકન અર્થવ્યવસ્થામાં ૨૦ અબજ ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે, આ રોકાણ વધતું જ રહે. અમારી નવી ઈમિગ્રેશન સિસ્ટમ માત્ર ભારતીયોને ટાર્ગેટ કરતી નથી, પરંતુ આ સિસ્ટમ આખા વિશ્વ માટે બનાવવામાં આવી છે. અમે તેને દુનિયામાં લાગુ કરી રહ્યા છીએ.’
રુબિયોએ ભારતીયોના રિજેક્ટ થતાં વિઝા અને ગ્રીન કાર્ડ મળવામાં પડતી તકલીફો અંગે જણાવ્યું હતું કે, અમારા દેશમાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસી આવ્યા છે. આ બતાવે છે કે અમારી ઈમિગ્રેશન સિસ્ટમમાં ખામી છે. અમે આ ખામી દૂર કરી રહ્યા છીએ. અમારી ઈમિગ્રેશન સિસ્ટમ ઘણી જૂની છે અને તેને અમે હવે વર્તમાન સ્થિતિ સાથે સુસંગત બનાવી રહ્યા છીએ. અમારી ઇમિગ્રેશન પ્રણાલિ ફક્ત ભારતીયોનો વિરોધ કરે છે તેવું નથી, પણ તે આખા વિશ્વ માટે છે. અમે અમારી ગ્રીન કાર્ડ સિસ્ટમમાં ઘણા છીંડા જાેયા છે, જેનો લાભ ઉઠાવીને લોકો ગેરકાયદે ઘૂસી જાય છે. તેના કારણે અમે ઇમિગ્રેશન પ્રણાલિ રિફોર્મ કરી રહ્યા છીએ. જ્યારે કોઈપણ રિફોર્મ થાય ત્યારે તકલીફ આવે જ છે. પણ લાંબા સમયગાળે આ સિસ્ટમ ઘણી સ્થિર હશે. આ સિસ્ટમ ભારતીયો અને અમારા બંને માટે વધુ કાર્યક્ષમ અને સારી પુરવાર થશે. એક દેશના નાગરિક તરીકે તમે જે પણ કરો છે, તે તમારા દેશના હિતમાં હોવી જાેઈએ, તેમાં ઈમિગ્રેશન નીતિ પણ સામેલ છે. મારું માનવું છે કે, અમેરિકા વિશ્વના તમામ લોકોનું સ્વાગત કરે છે. દર વર્ષે લગભગ ૧૦ લાખ લોકો અમેરિકામાં કાયમી રહેવાસી બને છે અને અમેરિકન અર્થવસ્થામાં મહત્ત્વનું યોગદાન આપે છે.





