રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. પુતિનની આગામી મુલાકાતની પુષ્ટિ કરતા, ક્રેમલિને સોમવારે કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં બંને દેશો વચ્ચે આ અંગે વાતચીત ચાલી રહી છે.
પીએમ મોદી અને પુતિન વચ્ચેની મુલાકાત અંગે અમેરિકામાં રશિયાના રાજદૂત ઉષાનોવે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે દર વર્ષે દ્વિપક્ષીય બેઠક યોજવાનો કરાર છે. પીએમ મોદી રશિયા આવ્યા છે. હવે રાષ્ટ્રપતિ પુતિનનો વારો છે. અમને વડા પ્રધાન મોદી તરફથી આમંત્રણ મળ્યું છે, ચોક્કસપણે આ અંગે સકારાત્મક પહેલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પુતિનની ભારત મુલાકાતનો કાર્યક્રમ વર્ષની શરૂઆતમાં જ જાહેર કરવામાં આવશે.
પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પણ બે અઠવાડિયા પહેલા પુતિનની આગામી ભારત મુલાકાતની જાહેરાત કરી હતી. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે અમે આ વર્ષમાં બે વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું છે. આશા છે કે અમે ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતની તારીખ નક્કી કરીશું.
ભારતીય વિદેશ મંત્રાલયે પણ અગાઉ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે આ વર્ષે જુલાઈમાં જ્યારે પીએમ મોદી 22મી ભારત-રશિયા સમિટમાં ભાગ લેવા માટે રશિયા ગયા હતા ત્યારે તેમણે પુતિનને ત્યાં આમંત્રણ આપ્યું હતું. ભારત અને રશિયા વચ્ચે 23મી સમિટ માટે રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી જાય તેવી શક્યતા છે.
ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ પુતિનની આ પ્રથમ ભારત મુલાકાત હશે. ગયા વર્ષે તેઓ જી-20 સંમેલનમાં ભાગ લેવા પણ આવ્યા ન હતા. યુક્રેન યુદ્ધના કારણે પુતિન આંતરરાષ્ટ્રીય કોર્ટના ધરપકડ વોરંટનો સામનો કરી રહ્યા છે. એટલા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં પુતિન ભાગ્યે જ વિદેશ પ્રવાસે જાય છે. ICC વોરંટનો અર્થ છે કે જો પુતિન ICC સભ્ય દેશમાં જાય તો તેની ધરપકડ થઈ શકે છે. જોકે ભારત અને રશિયા બંને તેના સભ્ય નથી.