International News: ફેબ્રુઆરી મહિનામાં જ અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યાના સમાચાર સામે આવ્યા છે. અલાબામાના સેલમામાં ગુરુદ્વારાની બહાર 29 વર્ષીય શીખ યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યુવકનું નામ રાજ સિંહ ઉર્ફે ગોલ્ડી હોવાનું કહેવાય છે, જે શીખ કિર્તન ગ્રુપનો સભ્ય હતો. તે યુપીના બિજનૌરના ટાંડા સાહુવાલા ગામનો રહેવાસી હતો. તે છ મહિના પહેલા અમેરિકાના કિર્તન ગ્રૂપનો ભાગ બન્યો હતો. મળતી માહિતી મુજબ, ગોલ્ડી ગુરુદ્વારાની બહાર ઊભો હતો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો હતો. તેના પરિવારજનોને રવિવારે હત્યાની માહિતી મળી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા મૃતકના ભાઈ ગુરપ્રીત સિંહે કહ્યું કે, મને સંબંધીઓ પાસેથી ઘટનાની જાણકારી મળી. આ પછી ગુરુદ્વારા સમિતિનો સંપર્ક કરવામાં આવ્યો. તેઓ અમને સંપૂર્ણ મદદ કરી રહ્યા છે. આ સિવાય અમે સરકારને મદદ માટે પણ અપીલ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગોલ્ડીની હત્યા હેટ ક્રાઈમનો મામલો હોઈ શકે છે.
છેલ્લા એક મહિનામાં અમેરિકામાં ભારતીયની આ બીજી હત્યા છે. ગયા મહિને 76 વર્ષના પ્રવીણ રાવજીભાઈની હત્યા થઈ હતી. અલાબામાના શેફિલ્ડમાં એક મોટેલમાં ઝઘડો થયો હતો અને પછી તેને ગોળી મારી દેવામાં આવી હતી. અલાબામામાં જ કેરળના વિદ્યાર્થી નીલ કુમારને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પછી તેને ગોળી મારી દેવામાં આવી હતી.
રાજ સિંહનો પરિવાર ભારત સરકારને તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઉત્તર પ્રદેશ લાવવાની વિનંતી કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં ભારતીયોની હત્યાના કેસમાં વધારો થયો છે. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે જાતિ અથવા લિંગના આધારે ગુનાને સાંખી લેવામાં આવશે નહીં.