Israel-Syria: જ્યાં એક તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે તો બીજી તરફ ઈઝરાયેલ દ્વારા સોમવારે વહેલી સવારે સીરિયાના અલેપ્પો શહેરની આસપાસ ભીષણ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે. સીરિયાના સરકારી મીડિયાએ આ દાવો કર્યો છે. સરકારી સમાચાર એજન્સી ‘SANA’એ જણાવ્યું કે આ હુમલા અલેપ્પોના દક્ષિણ-પૂર્વ ભાગમાં થયા છે. જો કે, તેમણે મૃત્યુઆંક જાહેર કર્યો ન હતો. એજન્સીએ કહ્યું, “આ હુમલામાં મોટા પાયે જાન-માલનું નુકસાન થયું છે.”
ઈઝરાયેલે હુમલા વધુ તીવ્ર કર્યા
તમને જણાવી દઈએ કે 2011થી ઈઝરાયેલી સેનાએ સીરિયામાં અનેક હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં ખાસ કરીને સેનાની ચોકીઓ અને ઈરાન સમર્થિત લડવૈયાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ગત વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જે બાદ ઈઝરાયેલ દ્વારા હુમલામાં વધારો થયો છે.
ઈરાની એમ્બેસી પાસે હવાઈ હુમલો થયો હતો
1 એપ્રિલના રોજ, સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની એમ્બેસી નજીક ઈઝરાયેલ દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 11 લોકો માર્યા ગયા હતા. હુમલો એટલો જોરદાર હતો કે એક ઈમારત સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ હતી. હુમલામાં ઈરાનના કુદ્સ ફોર્સના બે ટોચના કમાન્ડર અને અન્ય 5 અધિકારીઓ પણ માર્યા ગયા હતા. મૃતકોમાં સીરિયામાં ઈરાનના સૌથી વરિષ્ઠ અધિકારી મોહમ્મદ રેઝા ઝાહેદી અને તેમના ડેપ્યુટી કમાન્ડર મોહમ્મદ હજ રહીમીનો સમાવેશ થાય છે.