(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ સમગ્ર વિશ્વ અને માનવજાત માટે શરમજનક અને આશ્ચર્યજનક છે. આ અહેવાલો એવી વાસ્તવિકતા બતાવે છે જ્યાં મહિલાઓ અને છોકરીઓ માટે તેમનું પોતાનું ઘર જ દુનિયાની સૌથી જોખમી જગ્યાઓમાંની એક બની ગયું છે.
૨૫ નવેમ્બરના રોજ ઉજવાતા "મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ" નિમિત્તે યુએનની વિવિધ સંસ્થાઓ દ્વારા એક અહેવાલ જારી કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૫ માં વિશ્વભરમાં અંદાજે ૭૮,૦૦૦ હજાર મહિલાઓ અને છોકરીઓની ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આમાંથી ૬૦ ટકા જેટલા કિસ્સાઓમાં, એટલે કે લગભગ ૪૭,૦૦૦ હજાર કિસ્સાઓમાં હત્યા કરનાર બીજું કોઈ નહીં, પરંતુ તેમનો પોતાનો જીવનસાથી કે પરિવારનો જ કોઈ સભ્ય હતો. આ આંકડાઓનો અર્થ એ થાય છે કે દુનિયાભરમાં દર એક કલાકે સરેરાશ પાંચ મહિલાઓ, એટલે કે દરરોજ ૧૨૯ મહિલાઓની તેમના જ નજીકના લોકો દ્વારા જઘન્ય હત્યા કરવામાં આવે છે.
આમ એક તરફ જ્યાં મહિલાઓનો જીવ લેવામાં તેમના જ પરિવારજનોનો સૌથી મોટો હાથ છે, ત્યાં બીજી તરફ એક અત્યંત કરુણ વાસ્તવિકતા એ પણ છે કે આટલી હદે હિંસા સહન કર્યા પછી પણ મોટાભાગની મહિલાઓ મૌન સેવી લે છે. આનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે હિંસાનો ભોગ બનનાર મહિલાઓમાંથી માત્ર ૭ ટકા મહિલાઓ જ આવી ઘટનાની જાણ પોલીસને કરી શકે છે.
જ્યારે બાકીની ૯૩ ટકા મહિલાઓ અન્યાય અને અત્યાચારને ચૂપચાપ સહન કરતી રહે છે. આ મૌનને કારણે અસંખ્ય મહિલાઓ કોઈપણ પ્રકારની સુરક્ષા વિના જોખમી વાતાવરણમાં જીવવા મજબૂર બને છે. અને હિંસા આચરનાર અપરાધીઓ કાયદાના સકંજામાંથી અને ન્યાયિક કાર્યવાહીમાંથી આસાનીથી છટકી જાય છે. કારણ કે પીડિત મહિલાને ટેકો આપવાને બદલે પિયરવાળા કે સગાસંબંધીઓ સલાહ આપે છે કે 'થોડું સહન કરી લે, સમય જતાં બધું બરાબર થઈ જશે. અથવા બાળકોના ભવિષ્ય ખાતર સમાધાન કરી લે' તેવી સલાહ આપીને પાછી તે જ નરકમાં ધકેલી દેવામાં આવે છે. જ્યારે પોતાનું જ કોઈ સાથ ન આપે ત્યારે સ્ત્રી સંપૂર્ણપણે એકલી પડી જાય છે અને ડિપ્રેશનમાં મોતને વહાલું કરે છે.




