
બલૂચિસ્તાનને અલગ કરવાની માંગ પહેલા જ પાકિસ્તાન સરકારને પરેશાન કરી રહી છે, હવે ખૈબર પખ્તુનખ્વાએ પણ વિદ્રોહી વલણ બતાવવાનું શરૂ કર્યું છે. સ્થાનિક સરકારના એક નિર્ણયથી પ્રાંતમાં ભારે રોષ છે. સરકાર પખ્તુનખ્વામાં માઇનિંગ એન્ડ મિનરલ્સ બિલ લાવવા માંગે છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. જમીયત ઉલેમા-એ-ઈસ્લામના વડા મૌલાના ફઝલુર રહેમાને આ બિલને સંપૂર્ણપણે ફગાવી દીધું છે અને સરકારને ધમકી આપી છે. સરકાર પર દેશના કુદરતી સંસાધનોને હડપ કરવાનો આરોપ લગાવતા તેમણે લોકોને રસ્તા પર લાવવાની ચેતવણી આપી છે.
પેશાવરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મૌલાના ફઝલે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર અને આંતરરાષ્ટ્રીય શક્તિઓ પાકિસ્તાનના પ્રાકૃતિક સંસાધનો પર કબજો કરવા માંગે છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ડહાપણ નહીં દાખવવામાં આવે તો JUI-F રસ્તા પર ઉતરતા શરમાશે નહીં. મૌલાનાએ કહ્યું, “આ કાયદો બંધારણના 18મા સુધારાની ભાવના વિરુદ્ધ છે. અમે કેન્દ્ર અથવા કોઈ વિદેશી શક્તિને અમારા સંસાધનોનો દાવો કરવાની મંજૂરી આપીશું નહીં.”

બિલના બચાવમાં સરકાર
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર બંધારણને બાયપાસ કરવા માટે વૈકલ્પિક કાનૂની માર્ગો શોધી રહી છે જેથી કરીને પ્રાંતો પર દબાણ કરીને નવા ખાણકામ સત્તાવાળાઓની રચના કરી શકાય. તે જ સમયે, ખૈબર પખ્તુનખ્વા સરકારે બિલનો બચાવ કરતા કહ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર ખાણકામ રોકવા, વિદેશી રોકાણ આકર્ષવા અને ખનિજ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવાનો છે.
આ મુદ્દે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)માં પણ મતભેદો સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, હાલમાં અદિયાલા જેલમાં રહેલા ઈમરાન ખાને પાર્ટીના નેતાઓને તેમની સલાહ લીધા વિના બિલ પાસ ન કરવા સૂચના આપી છે. મૌલાના ફઝલે સુરક્ષાની સ્થિતિ અને અફઘાન શરણાર્થીઓની વાપસીને લઈને સરકાર પાસેથી નક્કર નીતિની પણ માંગ કરી છે.
બલૂચિસ્તાનની પણ પાકિસ્તાન સરકાર સાથે આ જ ફરિયાદ છે
બલૂચિસ્તાન એ પાકિસ્તાનનો સૌથી મોટો અને સંસાધનથી સમૃદ્ધ પ્રાંત છે, જે લાંબા સમયથી પાકિસ્તાન સરકાર વિરુદ્ધ અસંતોષ અને અલગતાવાદી ભાવનાઓનું કેન્દ્ર છે. બલૂચ અલગતાવાદી જૂથો સ્વતંત્ર બલૂચિસ્તાનની માંગ કરે છે કારણ કે તેઓ સરકાર પર પ્રાંતના કુદરતી સંસાધનોનું શોષણ કરવાનો આરોપ લગાવે છે. બલૂચિસ્તાન ગેસ, ખનિજો અને દરિયાઈ સંસાધનોથી સમૃદ્ધ છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેમને લાભ નથી મળી રહ્યો, જ્યારે અન્ય પ્રાંતોને લાભ મળી રહ્યો છે. આ સિવાય સ્થાનિક નેતાઓ અને સંગઠનોનું કહેવું છે કે પાકિસ્તાનની મુખ્યધારાની રાજનીતિમાં તેમને સમાન દરજ્જો આપવામાં આવતો નથી.




