
ત્રીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના ૮/૫૭૫ સામે વેસ્ટ ઇન્ડિઝના વિના વિકેટે ૧૧૦.કોનવેની બેવડી સદી, કિવિના જંગી સ્કોર સામે વિન્ડિઝની લડત.ત્રણ ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહ્યા બાદ બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો.જ્હોન કેમ્પબેલ અને બ્રેન્ડન કિંગે મજબૂત બેટિંગ કરતાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝે અહીં રમાઈ રહેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં શુક્રવારે મજબૂત લડત સાથે ઇનિંગ્સનો પ્રારંભ કર્યાે હતો. ન્યૂઝીલેન્ડે અગાઉ તેની પ્રથમ ઇનિંગ્સ આઠ વિકેટે ૫૭૫ રનના વિરાટ સ્કોરથી ડિકલેર કરી હતી જેના જવાબમાં બીજા દિવસની રમતના અંત સુધીમાં વેસ્ટ ઇન્ડિઝે વિના વિકેટે ૧૧૦ રન કરી દીધા હતા. ન્યૂઝીલેન્ડ માટે ડેવોન કોનવેએ બેવડી સદી ફટકારી હતી.ન્યૂઝીલેન્ડના જંગી સ્કોર સામે વેસ્ટ ઇન્ડિઝે બીજા દિવસના અંત ભાગમાં તેની ઇનિંગ્સનો પ્રારંભ કર્યાે હતો. જાેકે આવડા મોટા સ્કોરના દબાણ છતાં કેરેબિયન ઓપનર જ્હોન કેમ્પબેલ અને બ્રેન્ડન કિંગે મક્કમ અને મજબૂત શરૂઆત કરી હતી. તેમણે દિવસના અંત સુધી કિવિ બોલર્સને સફળ થવા દીધા ન હતા. પ્રથમ દિવસની રમતને અંતે કેમ્પબેલ ૬૦ બોલમાં ૪૫ અને બ્રેન્ડન કિંગ ૭૮ બોલમાં ૫૫ રન ફટકારીને રમતમાં રહ્યા હતા. આમ વેસ્ટ ઇન્ડિઝ હાલમાં ૪૬૫ રનથી પાછળ છે અને તેની સામે હજી પણ ફોલોઓનનું જાેખમ રહેલું છે.
ત્રણ ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહ્યા બાદ બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો. આમ કિવિ ટીમ હાલમાં ૧-૦ની સરસાઈ પર હોવાથી વેસ્ટ ઇન્ડિઝે સિરીઝ સરભર કરવા આ ટેસ્ટ જીતવી જરૂરી છે.અગાઉ ન્યૂઝીલેન્ડે એક વિકેટે ૩૩૪ રનના સ્કોરથી તેની ઇનિંગ્સ આગળ ધપાવ્યા બાદ ડેવોન કોનવેએ તેની કારકિર્દીની બીજી બેવડી સદી ફટકારી હતી. ૨૦૨૧માં લોર્ડ્ઝ ખાતે પોતાની પ્રથમ જ ટેસ્ટમાં બેવડી સદી ફટકાર્યા બાદ કોનવેએ શુક્રવારે ૩૬૭ બોલમાં ૩૧ ચોગ્ગા સાથે ૨૨૭ રન ફટકાર્યા હતા. આમ તેણે ટેસ્ટ કારકિર્દીમાં પોતાનો સર્વાેચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. કોનવે અને ટોમ લાથમની ૩૨૩ રનની ભાગીદારી બાદ ન્યૂઝીલેન્ડનો સ્કોર આગળ ધપાવવામાં રચિન રવીન્દ્રએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે ૧૦૬ બોલમાં છ ચોગ્ગા અને બે સિક્સર સાથે ૭૨ રન ફટકાર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ માટે લગભગ તમામ બોલરે વિકેટ લીધી હતી. જેમાં જેયડન સિએલ્સ, એન્ડરસન ફિલિપ અને જસ્ટિન ગ્રિવ્સે બે બે વિકેટ ખેરવી હતી.




