
કોહલીએ રચ્યો ઈતિહાસ.રોહિત શર્માએ પણ તોફાની બેટિંગ કરીને દિલ જીત્યા.કોહલીની વિસ્ફોટક બેટિંગથી દિલ્હીનો વિજય થયા.ભારતની પ્રતિષ્ઠિત સ્થાનિક વન-ડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીનો બુધવારથી શાનદાર પ્રારંભ થયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ સુપરસ્ટાર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા જાેવા મળતા મેદાન પર રનનો વરસાદ થયો છે. દિલ્હી તરફથી રમતા વિરાટ કોહલીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે મુંબઈ માટે રમતા હિટમેન રોહિત શર્માએ સિક્કિમના બોલરોની ધુલાઈ કરીને આક્રમક સદી ફટકારી ચાહકોને ખુશ ખુશ કરી દીધા છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આંધ્રને ટીમે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૯૮ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમે ૩૭.૪ ઓવરમાં ૬ વિકેટે ૩૦૦ રન નોંધાવી મેચ જીતી લીધી છે. દિલ્હી તરફથી રમી રહેલા વિરાટ કોહલીએ ૧૦૧ બોલમાં ત્રણ સિક્સ અને ૧૪ ફોર ફટકારી ૧૩૧ રન નોંધાવ્યા છે. તો આંધ્ર પ્રદેશ તરફથી રિકી બુઈજે ૧૦૫ બોલમાં સાત સિક્સ અને ૧૧ ફોર સાથે ૧૨૨ રન નોંધાવ્યા છે.
આ મેચમાં કોહલીએ માત્ર એક રન બનાવતાની સાથે જ લિસ્ટ-એ ક્રિકેટમાં ૧૬૦૦૦ રન પૂરા કરવાનો આંકડો પાર કર્યો હતો. સચિન તેંડુલકર પછી આ સિદ્ધિ મેળવનાર વિરાટ માત્ર બીજાે ભારતીય બેટ્સમેન બન્યો છે, જ્યારે વિશ્વ સ્તરે તે આ કીર્તિમાન સ્થાપિત કરનાર ૯મો ખેલાડી છે. કોહલીએ પોતાની જૂની શૈલીમાં બેટિંગ કરતા ૮૩ બોલમાં સદી પૂરી કરી હતી.
બીજી તરફ જયપુરમાં રમાયેલા મુકાબલામાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ સિક્કિમ સામે તાંડવ મચાવ્યું હતું. ૨૩૭ રનના ટાર્ગેટ સામે રોહિતે મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરી માત્ર ૬૧ બોલમાં સદી ઠોકી દીધી હતી. હિટમેને ૯૪ બોલમાં ૯ સિક્સ અને ૧૮ ફોર ફટકારી ૧૫૫ રનની તોફાની ઈનિંગ રમી હતી. રોહિતની આ ઈનિંગના પ્રતાપે મુંબઈની ટીમે આસાનીથી મેચ જીતી લીધી છે. જયપુરના મેદાન પર રોહિતની બેટિંગ જાેવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.
લિસ્ટ-એ ક્રિકેટમાં (વન-ડે ઇન્ટરનેશનલ અને ઘરેલું ૫૦ ઓવરની મેચો પણ સામેલ) સૌથી વધુ રનનો રેકોર્ડ ઇંગ્લેન્ડના ગ્રેહામ ગૂચના નામે છે. ભારતીય ખેલાડીઓમાં હવે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. વિજય હજારે ટ્રોફીના પ્રથમ દિવસે જ આ બે દિગ્ગજાેના ફોર્મે આવનારી મેચો માટે ઉત્સાહ વધારી દીધો છે.




