
આરોગ્ય વિભાગનો સપાટો.લસકાણાનું ડુપ્લીકેટ કપાસિયા તેલ ટેસ્ટિંગમાં ફેઈલ થયું.આરોગ્ય વિભાગે ફરી એક વખત કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં લસકાણામાં લીધેલા કપાસિયા તેલના નમૂના ફેલ ગયા છે.લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા ન્યૂ મહાદેવ ઓઈલ ટ્રેડર્સ પર થોડા દિવસો અગાઉ પાડવામાં આવેલા દરોડા દરમિયાન લેવાયેલા કપાસિયા તેલના નમૂના રિપોર્ટમાં ફેલ સાબિત થયા છે. આ રિપોર્ટ બાદ સાબિત થયું છે કે અહીં ડુપ્લીકેટ કપાસિયા તેલ બનાવીને તેનું ધૂમ વેચાણ કરવામાં આવતું હતું.
ફુડ સેફ્ટી ઓફિસર બી.આર.બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર ગત ૨૭મીએ મળેતી ગુપ્ત માહિતીને આધારે લસકાણા સ્થિત આ ઓઇલ ટ્રેડર્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા કપાસિયા તેલના નમૂના લઈ તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હાલમાં આવેલા લેબોરેટરી રિપોર્ટમાં આ તેલના નમૂના ખાવાલાયક ન હોવાનું અને ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ સાબિત થયા હોવાનું બહાર આવ્યું છે.આરોગ્ય વિભાગે દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે ૧૮૮કિલો જેટલો કપાસિયા તેલનો જથ્થો જપ્ત કર્યો હતો. લેબ રિપોર્ટ નેગેટિવ આવતા હવે આ તમામ ૧૮૮ કિલો તેલનો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, જે રીતે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડીને નકલી તેલ વેચવામાં આવતું હતું, તે બદલ ન્યૂ મહાદેવ ઓઈલ ટ્રેડર્સ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.




