
આમ આદમી પાર્ટીની “પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા” દરમિયાન આજે પાંચપીપળા, જેતપુર ખાતેથી “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા” અંતર્ગત સભાનું આયોજન થયું. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રાજુ બોરખતરીયા, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા અને જેતપુર તાલુકા પ્રમુખ દિલીપ ભુવા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન છેલ્લા ૧૫ દિવસથી ભાદર બચાવોના નારા સાથે અનશન પર બેઠેલા આગેવાન મહેશભાઈ કોટડિયાનું પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત પ્રદેશ નેતાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

સભાને સંબોધન કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જેતપુરમાં આ પહેલાં પણ જ્યારે મહેશભાઈ અનશન પર ઉતર્યા હતા ત્યારે છાવણીમાં તેમની મુલાકાત લીધી હતી. આજે ત્રિવેણી સંગમ પર ઘણા સમયથી તમે બધા બેઠા છો. તેમણે ઉમેર્યું કે મહેશભાઈના અનશનનો આજે સોળમો દિવસ છે. મારા માટે તો સાંજે છ વાગ્યે જમવાનું મોડું થાય તો મુશ્કેલ લાગે છે, અને અહીં મહેશભાઈ સોળ દિવસથી અનશન પર છે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે જ્યારે અન્યાય સતત ચાલે છે ત્યારે ક્યાંક પ્રજા ટેવાઈ જાય છે, ક્યાંક નેતાઓ નબળા પડે છે અને ક્યાંક અધિકારીઓ લાંચિયા બની જાય છે. જ્યાં અત્યાચાર અને અન્યાય થાય છે, ત્યાં જવાબદારી નક્કી થવી જ જોઈએ. તેમણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અંગે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે તેનું કામ રાજ્યમાં પાણી અને હવાના પ્રદૂષણને રોકવાનું છે. “સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જેવી સંસ્થાઓ છે, છતાં જો પ્રદૂષણ રોકાતું ન હોય તો જવાબદાર કોણ? તેમણે દાવો કર્યો કે રાજ્યમાં આશરે સત્તર સો ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે અને પ્રદૂષણના મુદ્દે ગંભીર સ્થિતિ છે. લાખો બાળકો બીમારીનો ભોગ બને છે અને છતાં જવાબદારી નક્કી થતી નથી. ઇસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, “જ્યારે સુધી હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છું, ત્યારે સુધી અન્યાય સામે લડત ચાલુ રહેશે. જરૂર પડે તો લાખો કાર્યકર્તાઓ અનશન પર બેસવા તૈયાર છે. તેમણે ચેતવણી આપી કે પ્રાદેશિક અધિકારીઓ અને સંબંધિત વિભાગોની મિલકતોની તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. લાંચિયા અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓ સામે કાયદેસર પગલાં લેવાશે, એમ તેમણે જણાવ્યું. જનતાને સંદેશ આપ્યો કે મતદાન સમયે જાગૃત રહેવું જોઈએ.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે સરકારની સામે કોઈ બોલવાવાળું નથી, ત્યારે આ ભાદર નદીને બચાવવા માટે મહેશભાઈ કોટડીયા એ જે લડાઈ અપનાવી એ બદલ હું એમને અભિનંદન આપું છું. આજે તેમના અનશનને 16 દિવસ થયા તેમ છતાં પણ તેઓ પોતાના મુદ્દાને લઈને સંઘર્ષ કરી રહ્યા છે. આજે ગુજરાતમાં આગેવાનો નથી, ત્યારે આમ આદમી પાર્ટી જ્યારે લોકોના મુદ્દા ઉઠાવે છે ત્યારે ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાય છે કારણ કે એમને એવું છે કે ભાજપની સામે કોઈ બોલવું જ ન જોઈએ. આવી પરિસ્થિતિમાં વિસાવદરની જનતાએ ગુજરાતને એક નવી આશા આપી કે ગુજરાતમાં પરિવર્તન આવી શકે છે અને ભાજપને હરાવી શકાય છે. જ્યારે કડદા કાંડનું આંદોલન બોટાદમાં શરૂ થયું, ત્યારે મહેશભાઈ ત્યાં પણ ગયા હતા અને તેઓ જેલમાં પણ ગયા અને જેલમાંથી આવ્યા બાદ ભાદર બચાવોનું આંદોલન શરૂ કર્યું અને હાલ તેઓ ઉપવાસ પર બેઠા છે તો હું સ્પષ્ટપણે કહું છું કે આપણને આવા વિરલાઓ મળવાના નથી. આવા વિરલાઓ ત્યારે જ પેદા થશે જ્યારે લોકોનો સાથ અને સહકાર હશે.
આ અગાઉ બપોરે પ્રાંસલી, કેશોદ ખાતે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ હસ્તક અનેક કિસાન નેતાઓ પાર્ટીમાં જોડાયા હતા. ધીરૂભાઈ ઝાટીયા – પ્રમુખ, ખેડૂત હિત રક્ષક સમિતિ તેમજ કેશોદ તાલુકા પૂર્વ ઉપપ્રમુખ, આ સિવાય વાલભાઈ – મૈયા દરબાર સમાજના પૂર્વ પ્રમુખ, ભરતભાઈ – નોંજણવાવ પૂર્વ સરપંચ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ હસ્તક આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તમામ મહાનુભાવોને પાર્ટીમાં જોડવા બાલાભાઈ કાનગઢ તેમજ મેરામભાઈની મહત્વની ભૂમિકા રહી હતી.




