
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાતો કરતા જણાવ્યું હતું કે, આજે શિક્ષણ વિભાગને લઈને મારો પ્રશ્ન હતો કે ગુજરાતમાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી. તો મને જોવા મળે છે કે છેલ્લા બે વર્ષમાં 75 જેટલી શાળાઓ બંધ કરવામાં આવી છે. આપણું આટલું મોટું શિક્ષણનું બજેટ હોય અને સરકારી શાળાઓને પ્રાધાન્ય આપવાની જગ્યાએ સરકાર શાળાઓ બંધ કરી રહી છે અને ખાનગી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે ,એ આજના જવાબ પરથી દેખાઈ રહ્યું છે.
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, મારો બીજો પ્રશ્ન હતો કે રાજ્યમાં કેટલી શાળાઓ પાળી પદ્ધતિથી ચાલે છે, એટલે કે સવારે પ્રાથમિકના બાળકો ભણે અને બપોરે માધ્યમિકના બાળકો ભણે. સરકારે જણાવ્યું કે ગુજરાતમાં પાળી પદ્ધતિથી 2674 શાળાઓ ચાલે છે. ગરવી ગુજરાતની વરવી વાસ્તવિકતા એ છે કે શાળાઓમાં પૂરતા ઓરડાઓ નથી અને શાળાના મકાનો નથી જેના કારણે પાળી પદ્ધતિથી શાળાઓ ચાલે છે. 11 વાગે જે બાળકો સ્કૂલથી છૂટશે તો એ બાળકો ક્યાં જશે અને શું કરશે? સરકાર પાસે એનો કોઈ જવાબ નથી અને બપોરે જે બાળકોનું શિક્ષણ કાર્ય છે તો એ લોકોએ શું કરવાનું તે લોકો ક્યાંથી આવશે? તેના સરકાર પાસે કોઈ જવાબ નથી?




