
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજની વિધાનસભામાં તેમના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં માનવભક્ષી દિપડાઓ દ્વારા 14 લોકો પર હુમલા થયા છે, જેમાંથી 4 લોકોનાં મૃત્યુ થયા છે અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે જંગલ અને વન્ય પ્રાણીઓ વર્ષોથી છે, પરંતુ હાલમાં વન વિભાગ દ્વારા બહારથી પકડાયેલા દિપડાઓને નર્મદા જિલ્લામાં છોડવામાં આવી રહ્યા છે, જે સીધા જ લોકો પર હુમલા કરે છે. અનેક રજૂઆતો અને જિલ્લા સંકલન બેઠકમાં મુદ્દો ઉઠાવ્યા છતાં વન વિભાગ ગંભીરતા દાખવી રહ્યો નથી અને દિપડાઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવી નથી. ચૈતર વસાવાએ ગુજરાત સરકાર અને વન વિભાગને તાત્કાલિક અસરથી તમામ માનવભક્ષી દિપડાઓને પકડીને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે વિસ્તારમાં ભયનો માહોલ છે, લોકો રાત્રે બહાર નીકળી શકતા નથી, બાળકોને શાળા કે આંગણવાડીમાં મોકલતા પણ ડર લાગે છે. સરકારે આ મુદ્દે તાત્કાલિક અને કડક પગલાં લેવા જોઈએ.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે સરકારે સ્વીકાર્યું છે કે નર્મદા જિલ્લામાં આઠ કાળિયાર હરણોનો શિકાર થયો છે. આ હરણોને લાખો રૂપિયાના ખર્ચે વિદેશથી લાવી સફારી પાર્કમાં મુકવામાં આવ્યા હતા. છતાં, સુરક્ષા કવચ હોવા છતાં દિપડો સફારી પાર્કમાં ઘૂસી ગયો અને શિકાર કર્યો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આ બેદરકારી માટે ડીસીએફ, આરએફઓ અથવા અન્ય જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી? માનવ મૃત્યુ કે ગંભીર ઇજા પામેલાં લોકોને સહાય ચૂકવીને સરકાર સંતોષ માનીને છે અને દીપડાઓને પકડવા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી.વાઈલ્ડલાઈફ એક્ટ હેઠળ જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી થવી જોઈએ તેવી તેમની માંગ છે. તેમણે સરકારને અપીલ કરી કે વિસ્તારમાં ફરતા તમામ દિપડાઓને પકડી લેવા માટે પાંજરાં મુકવામાં આવે, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવામાં આવે.




