
જાણો ક્યારે થશે અને ભારતમાં દેખાશે કે નહીં? સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, ૬ મિનિટ ૨૨ સેકન્ડ છવાશે અંધકાર! બીજું સૂર્યગ્રહણ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ થશે, ૧૨ ઓગસ્ટે થનારું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય.
આ વર્ષે હોળીના તહેવારને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. સામાન્ય રીતે હોલિકા દહન પછીના દિવસે રંગોત્ત્સવની ઉજવણી કરવામાં આવે છે.પરંતુ વર્ષ ૨૦૨૬માં ખગોળીય ઘટનાઓને કારણે આ પરંપરામાં ફેરફાર જાેવા મળી રહ્યો છે. તેનું કારણ છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, હોલિકા દહન ૨ માર્ચ, ૨૦૨૬ના રોજ થશે, પરંતુ બીજા જ દિવસે ૩ માર્ચે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. ગ્રહણને કારણે સૂતક કાળ હોવાથી આ દિવસે પૂજા અને રંગોત્ત્સવની ઉજવણી ન કરવી, તેવું માનવામાં આવે છે. બીજી તરફ, સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણને લઈને પણ જ્યોતિષીયોએ જાણકારી આપી છે.
પંચાંગ મુજબ, હોલિકા દહન ૨ માર્ચની રાત્રે થશે. બીજા દિવસે ચંદ્રગ્રહણ હોવાથી જ્યોતિષીઓ કહે છે કે, સૂતક સમયગાળા દરમિયાન રંગોથી રમવું યોગ્ય નથી. તેથી રંગોની હોળી ૪ માર્ચે ઉજવવામાં આવશે. સૂતક નિયમોનું પાલન કરીને ૩ માર્ચે પૂજા અને ધાર્મિક વિધિઓ ટાળવાની સલાહ આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૨૬માં બે સૂર્યગ્રહણ થવાના છે. જેમાંથી પહેલું ગ્રહણ ૧૭ ફેબ્રુઆરીએ થઈ ગયું છે. જ્યારે બીજું સૂર્યગ્રહણ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ થશે. ૧૨ ઓગસ્ટે થનારું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ સૂર્યગ્રહણ મુખ્યત્વે યુરોપ, કેનેડા અને ગ્રીનલેન્ડમાં દેખાશે. એટલાં માટે તેનો સૂતક કાળ પણ દેશમાં માન્ય નહીં થાય અને કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ પર રોક નહીં રહે.
વર્ષના બીજા સૂર્યગ્રહણ વિશે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ વચ્ચે નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે “સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ” ૨૦૨૭માં થશે. ૨ ઓગસ્ટ, ૨૦૨૭ના રોજ થનારું આ ગ્રહણ ૨૧મી સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે, જે લગભગ ૬ મિનિટ અને ૨૨ સેકન્ડ ચાલશે. આટલું લાંબુ ગ્રહણ ૨૧૧૪ વર્ષ સુધી ફરી નહીં થાય.
આ આંશિક સૂર્યગ્રહણ ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ દેખાશે. તેથી ૨૦૨૭ના ગ્રહણ માટેનો સૂતક કાળ ભારતમાં માન્ય રહેશે. જેમાં દિવસ દરમિયાન અંધકારનો સમયગાળો રહેશે, જેના પરિણામે રાત્રિ જેવો નજારો જાેવા મળશે.




