
ફિલ્મ માટે રિતેશ દેશમુખ, પરેશ રાવલ, રાજપાલ યાદવનો સંપર્ક કરાયો
‘માલામાલ વિકલી’ ફિલ્મની સિક્વલ પર કામ ચાલુ
‘માલામાલ વિકલી’ ફિલ્મમાં રીમા સેન, શક્તિ કપૂર, સુધા ચંદ્રન તેમજ સ્વર્ગસ્થ અસરાની, રસિકા જાેષી અને ઇનોસન્ટ પણ મહત્વની ભૂમિકામાં હતાં.
વર્ષ ૨૦૨૫માં ‘સૈયારા’, ‘એક દીવાને કી દીવાનિયત’ અને ‘તેરી ઇશ્ક મેં’ જેવી ફિલ્મોથી રોમેન્ટિક જાેનરની લહેર ફરી જીવંત બની હતી. હવે ૨૦૨૬ અને ૨૦૨૭માં કોમેડી ફિલ્મો બોક્સ ઓફિસ પર રાજ કરે તેવી શક્યતા છે. આગામી બે વર્ષમાં ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’, ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘ધમાલ ૪’, ‘ભાગમ ભાગ ૨’, ‘હેરા ફેરી ૩’ અને ‘ગોલમાલ ૫’ જેવી રસપ્રદ ફિલ્મો રિલીઝ થવાની છે. આ દરમિયાન હવે વધુ એક લોકપ્રિય ફિલ્મની સિક્વલ તૈયાર થઈ રહી છે – ‘મલામાલ વીકલી ૨’.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ‘મલામાલ વીકલી ૨’ માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મની ટીમે બીજા ભાગ માટે એક મજબૂત અને રસપ્રદ વિચાર પર તૈયારી શરૂ કરી દીધી છે. જાેકે, એવા પણ અહેવાલો છે કે આ સીધી સિક્વલ નહીં હોય. આ વખતે પાત્રો અને પરિસ્થિતિ અલગ રહેશે, પરંતુ પહેલા ભાગની જેમ જ આ ફિલ્મ લાલચી ગામલોકો અને મોટી રકમ મેળવવા માટે તેમણે કરેલી અજીબ હરકતો પર આધારિત રહેશે.સૂત્રએ વધુમાં જણાવ્યું કે પરેશ રાવલે મૌખિક રીતે સંમતિ આપી દીધી છે, જાેકે હજી સત્તાવાર રીતે ફિલ્મ સાઇન કરી નથી. જ્યારે રિતેશ દેશમુખ અને રાજપાલ યાદવ સાથે પણ ચર્ચાઓ ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે આ ત્રણેય કલાકારો ૨૦૦૬માં રિલીઝ થયેલી ‘મલામાલ વીકલી’નો ભાગ હતા. ફિલ્મની કહાની એક ગામના એકમાત્ર શિક્ષિત વ્યક્તિ આસપાસ ફરે છે, જેને ખબર પડે છે કે ગામનો એક વ્યક્તિ ૧ કરોડ રૂપિયાની લોટરી જીતી ગયો છે. પરંતુ એ વિજેતા મોતને ભેટ્યો હોય છે. ત્યારબાદ ગામલોકો લોટરી ઇન્સ્પેક્ટરથી સત્ય છુપાવવા અને લાલચુ સરપંચને અજાણ રાખવા માટે અનેક વિચિત્ર યોજનાઓ બનાવે છે અને ત્યાંથી જ શરૂ થાય છે ગજબનો ગોટાળો. ફિલ્મનું ડિરેક્શન પ્રિયદર્શને કર્યું હતું. ફિલ્મમાં રીમા સેન, શક્તિ કપૂર, સુધા ચંદ્રન તેમજ સ્વર્ગસ્થ અસરાની, રસિકા જાેષી અને ઇનોસન્ટ પણ મહત્વની ભૂમિકામાં હતાં. હવે જાેવાનું રહેશે કે ‘મલામાલ વીકલી ૨’ પણ પહેલા ભાગની જેમ દર્શકોને હસાવવામાં કેટલી સફળ થાય છે.




