
આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ફરીથી એલપીજીમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ ભાવવધારો અટકતો નથી અને દિવસે ને દિવસે જરૂરી વપરાશની વસ્તુઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે 60 રૂપિયાનો વધારો સામાન્ય પરિવાર, મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે કેટલો મોટો છે તે એ લોકો જ જાણતા હોઈ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો તો કરે છે કે અમે ગરીબ પરિવારો સાથે છીએ, મહિલાઓ સાથે છીએ અને સામાન્ય વર્ગ માટે કામ કરીએ છીએ, પરંતુ હકીકતમાં લોકો પર ખર્ચાનો ભાર વધતો જાય છે.
AAP નેતા ગૌરી દેસાઇએ વધુમાં જણાવ્યું કે જ્યારે લોકોને પૂછવામાં આવે છે કે તેમની આવક વધી છે કે નહીં, ત્યારે મોટાભાગના લોકો કહે છે કે આવક વધી નથી, પરંતુ ખર્ચામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે સરકાર તરફથી આવી ગિફ્ટ મળે છે કે જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારી દેવામાં આવે છે અને તેનો બોજો માત્ર સામાન્ય જનતાને જ ભોગવવો પડે છે. ગૌરી દેસાઈએ જણાવ્યું કે આજે જનતાએ જે સરકારને વોટ આપીને સત્તા પર બેસાડી છે, તેનું પરિણામ એ છે કે લોકોને એલપીજીમાં 60 રૂપિયાના ભાવવધારાનું “ઇનામ” મળી રહ્યું છે. તેમણે કહ્યું કે હું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટીની મહિલા નેતા તરીકે અને એક ગુજરાતી મહિલા તરીકે કહેવા માગું છું કે આવી સરકાર જે દિવસેને દિવસે આવકને સ્થિર રાખે છે અને ઘરખર્ચમાં વધારો કરે છે, તેવી સરકારને ઘેર બેસાડવાની જરૂર છે.




