
ક્યાંક પતરાં ઉડ્યાં તો ક્યાંક છત-દીવાલો ધરાશાયી પાકિસ્તાનમાં વાવાઝોડાએ તબાહી મચાવી; ૨૧ના મોત ભયાનક વાવાઝોડા અને વરસાદે ભારે વિનાશ વેર્યો છે પાકિસ્તાનમાં બુધવારે આવેલા ભયાનક વાવાઝોડા અને વરસાદે ભારે વિનાશ વેર્યો છે. પોલીસ અને રાહત અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, બુધવારે કેટલાક વિસ્તારોમાં ૯૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૌથી વધારે જીવલેણ ઘટના કરાચીના બાલ્ડિયા ટાઉન વિસ્તારમાં બની, જ્યાં એક દિવાલ ધરાશાયી થવાથી ૧૩ લોકોના મોત થયા છે. આ લોકો વરસાદથી બચવા માટે દિવાલ પાસે ઊભા હતા, પરંતુ ભારે પવન ફૂંકાતા દિવાલ ધરાશાયી થઈ હતી.
અન્ય ઘટનાઓની વાત કરીએ તો કુરંગી નંબર ૩માં છત ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે મેમન ગોઠમાં હજરત નામના વ્યક્તિનું વીજળીના ઝટકાથી મોત થયું છે. ગુલિસ્તાન-એ-જૌહરમાં ચાર વર્ષની નાની બાળકી પર દિવાલ પડવાથી મોત થયું છે. નીલમ કોલોનીમાં એક મહિલા પર ઝાડ પડવાથી તેનું મોત થયું છે.
પાકિસ્તાનના કરાચીમાં ભારે વાવાઝોડું આવતા ઠેર-ઠેર ઝાડ ધરાશાયી થયા છે, કેટલાક વિસ્તારોમાં વીજળીના થાંભલા અને છતો પણ ધરાશાઈ થઈ છે. તો વાવાઝોડું આવતા કેટલાક સ્થળોએ પ્લાસ્ટિકની ખુરશીઓ સહિત અન્ય સામાન હવામાં ઊડતો જાેવા મળ્યો હતો. રેસ્ક્યુ ૧૧૨૨ની ટીમો સતત કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના કામમાં જાેડાયેલી છે. ઘણા વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ જતાં પરિસ્થિતિ વધુ બગડી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ખરાબ હવામાનની ચેતવણી જારી કરી છે.




