
સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા ‘નર્મદે હર’ના જયઘોષ સાથે નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ પ્રથમ દિવસે ૧૦ હજાર કરતાં વધુ પરિક્રમાર્થીઓ ઉમટ્યાં પુણ્ય સલિલા મા નર્મદાના પાવન તટ પર ચૈત્ર માસમાં થતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની આજે(૧૯ માર્ચ, ૨૦૨૬) વિધિવત શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે સાધુ-સંતો, ભાવિકો-પરિક્રમાર્થીઓએ પ્રાત:કાળે મા રેવાના દર્શન અને પુષ્પાર્પણ કરી નર્મદે હરના જય ઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. નર્મદામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે, ત્યારે વૃદ્ધો, બાળકો, મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અલૌકિક આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કર્યો છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જ ૧૦ હજાર કરતાં વધુ પરિક્રમાર્થીઓ ઉમટી પડ્યાં છે.
કીડી-મકોડી ઘાટ ખાતે રામપુરા, માંગરોલથી કલવાડા સહિત ઠેર-ઠેર સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા ભંડારા ચલાવવામાં આવી રહ્યા છે. આ સાથે પરિક્રમાર્થીઓ માટે ઠંડા પાણી, લીંબુ સરબત, છાસ વિતરણ સહિતની સેવા લોકો કરી રહ્યા છે. પરિક્રમા દરમિયાન શહેરાવ-તિલકવાડા ઘાટ પર કામ ચલાઉ બ્રિજની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે રેંગણથી રામપુરા ઘાટ વચ્ચે બોટ સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા ગોવાથી સ્પેશિયલ ૧૮ બોટ મંગાવવામાં આવી છે. જેમાં બોટ સેવાના સંચાલનને લઈને સ્થાનિક નાવિકો મળીને કુલ ૬૦થી ૭૦ ભક્તો એક સાથે બોટમાં બેસી શકશે. ચૈત્ર મહિનામાં ગરમી હોય છે, ત્યારે ભક્તોને ગરમી ન લાગે એ માટે સ્પેશિયલ ગોવાથી છત વાળી બોટ મંગવામાં આવી છે. આ સ્પીડ બોટ દ્વારા રેંગણથી રામપુરા ઘાટ માત્ર ૬ મિનિટમાં પહોંચી શકાશે, સામાન્ય રીતે ફિશિંગ બોટમાં ૨૦ મિનિટ જેટલો સમય લાગતો હોય છે. હાઈસ્પીડ બોટમાં નર્મદા પોલીસ અને જીડ્ઢહ્લઇના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે.




