
ખેડૂતોને વીઘે ૭૦,૦૦૦ના નુકસાનની ભીતિ.વડનગર તાલુકાના મલેકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કાપણી માટે તૈયાર તમાકુ અને એરંડાના પાક પર કુદરતનો પ્રકોપસમગ્ર ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ઠેર ઠેર નુકસાની જાેવા મળી રહી છે, ખાસ કરીને ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા ૨ દિવસ દરમિયાન પડેલા વરસાદ અને તેજ પવન સાથેના વાવાઝોડાએ ખેડૂતો માટે મોટી આફત સર્જી છે. તમાકુ અને એરંડા જેવા મુખ્ય પાકોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
તમાકુનો પાક છેલ્લા અઠવાડિયાથી કાપણી માટે તૈયાર હતો અને ઘણા ખેડૂતો કાપણી કરીને તેને સુકવવા માટે ખેતરમાં મૂકી ચૂક્યા હતા, જ્યારે હજુ કેટલાક ખેતરોમાં તમાકુ ઉભી હાલતમાં હતી. સામાન્ય રીતે એપ્રિલ મહિનાની શરૂઆતમાં તમાકુની માર્કેટ યાર્ડ શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. સુકવવા માટે મૂકેલી તમાકુ પવન અને વરસાદના કારણે ઉડી ગઈ છે અને ઉભી તમાકુ પર વરસાદ પડવાથી તેની ગુણવત્તા બગડી છે. ઘણી જગ્યાએ તમાકુ કાળી પડી જવાના કારણે બજારમાં યોગ્ય ભાવ મળવાની શક્યતા ઘટી ગઈ છે.
ખાસ કરીને વડનગર તાલુકાના મલેકપુર ગામમાં અંદાજે ૩૫૦ વીઘામાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગામના ખેડૂતો દર વર્ષે તમાકુનું વાવેતર કરીને સારો અને નફાકારક ઉત્પાદન મેળવે છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદે તેમની આશાઓને મોટો આંચકો આપ્યો છે. ખેડૂતો જણાવ્યું હતું કે, સામાન્ય રીતે એક વીઘામાંથી ૫૦,૦૦૦ થી ૭૦,૦૦૦ રૂપિયા સુધીની આવક મળતી હતી, પરંતુ આ વર્ષે હાલની સ્થિતિ જાેતા ખર્ચ પણ નીકળે કે નહીં તેવો પ્રશ્ન ઉભો થયો છે. ઉત્પાદન ઘટવાની સાથે ગુણવત્તામાં ઘટાડો થતાં બજારમાં ભાવ પણ ઘટવાની શક્યતા છે.
મલેકપુર ગામના ખેડૂત ચંદુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, તેમણે દિવાળી દરમિયાન તમાકુનું વાવેતર કર્યું હતું અને કાપણી બાદ સુકવવા માટે મૂકેલી તમાકુ વરસાદ અને પવનના કારણે બરબાદ થઈ ગઈ છે. તેઓ કહે છે કે “જે તમાકુ બચી છે તે પણ કાળી પડી ગઈ છે, જેના કારણે હવે અમારે તેને ગાળિયાના ભાવે વેચવી પડશે. માર્કેટમાં કદાચ ૫૦૦ થી ૬૦૦ રૂપિયા જેટલો જ ભાવ મળશે. ગયા વર્ષે આ જ ખેતરમાંથી અમને ૭૦,૦૦૦ રૂપિયાની આવક થઈ હતી, પરંતુ આ વર્ષે કંઈ નક્કી નથી.”
અન્ય ખેડૂત દિનેશભાઈએ પણ જણાવ્યું હતું કે, ચાર મહિના સુધી તડકામાં મહેનત કર્યા બાદ જ્યારે પાક વેચાણ માટે તૈયાર થયો ત્યારે અચાનક પડેલા વરસાદ અને વાવાઝોડાએ તમામ આશાઓ તોડી નાખી. “હવે ઉત્પાદન પણ ઓછું રહેશે અને ભાવ પણ ઘટશે, જેના કારણે આ વર્ષે તમાકુમાં ભારે નુકસાન સહન કરવું પડશે.”




