
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ વિડિયો માધ્યમથી જણાવ્યું હતું કે સરકાર માને કે ન માને પરંતુ હાલમાં જે વાવાઝોડુ આવ્યુ તેણે ખેડૂતોને પારાવાર નુકસાન કર્યુ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોને તો નુકસાન થયું જ છે, પરંતુ એ સિવાયના જે સંવેદનશીલ પાકો છે, જેમનો ઉલ્લેખ સરકાર કે મીડિયા દ્વારા થતો નથી, તેમને પણ ભારે અસર પહોંચી છે. જીરું ગુજરાતમાં આશરે 1,72,476 હેક્ટર વિસ્તારમાં થયુ છે અને તે ખૂબ સંવેદનશીલ પાક છે. તેવી જ રીતે ધાણા આશરે 1,26,470 હેક્ટરમાં થયુ છે. સવાનું વાવેતર આશરે 12,212 હેક્ટરમાં અને ઇસબગુલનુ વાવેતર 17,284 હેક્ટરમાં થયુ છે. આ બધા સંવેદનશીલ પાકો છે આ પાકો મુખ્યત્વે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં લેવાય છે. આ વિસ્તારોમાં ઘણીવાર નુકસાન થાય છે, છતાં સરકાર દ્વારા યોગ્ય સર્વે કરવામાં આવતો નથી. આ વર્ષે પણ આ વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે, તેથી સરકારે તાત્કાલિક સર્વે કરવો જોઈએ.
AAP નેતા સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું કે આ સંવેદનશીલ પાકોમાં થોડો પણ વરસાદ આવે તો નુકસાન થાય છે, ત્યારે આટલો ભારે વરસાદ પડવાથી ખેડૂતોના પાકને ગંભીર અસર થઈ છે. તેથી સરકાર પાસે માંગ છે કે તાત્કાલિક આ સંવેદનશીલ પાકોનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં વળતર આપવામાં આવે. સાથે સાથે, જ્યારે બાગાયતી પાકોની વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં કેરીનું મહત્વ ખૂબ મોટું છે. વલસાડ બાદ કચ્છમાં પણ કેસર કેરીનું ઉત્પાદન વધી રહ્યું છે. વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, સુરત, અમરેલી અને ભાવનગરના દરિયા કાંઠાના તળાજા-ગોગા વિસ્તાર સુધી મોટા પ્રમાણમાં ઉત્તમ ગુણવત્તાની કેસર કેરીનું ઉત્પાદન થાય છે. આ બાગાયતી પાકોને પણ આ વરસાદથી ભારે નુકસાન થયું છે. અંદાજે 20% થી 40-45% સુધી કેરી પડી ગઈ છે અને જે બચી છે તેમાં જીવાતનો ભય છે. તેથી સરકાર પાસે અમારી માંગ છે કે બાગાયતી પાકોનો પણ તાત્કાલિક સર્વે કરવામાં આવે. કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં કેરી અને અન્ય બાગાયતી પાકો છે ત્યાં સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. સાથે સાથે, માત્ર વળતર નહીં પરંતુ જૂના અને નવા SDRFના દરો પ્રમાણે વ્યાજ સહિત યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે.




