
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 2022 પછી આમ આદમી પાર્ટી એક નવા વિકલ્પ અને રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી આવી છે, ત્યારે સત્તાધારી ભાજપ પાર્ટીને ભીંસ પડી રહી છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતા ભાજપને ભીંસ પડી છે અને હવે તેમણે નવો પ્રોપેગેન્ડા શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત અને દિલ્હીના કાર્યકર્તાઓને ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે. કાયદાનો દૂરપયોગ કરીને ગુજરાતમાં ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે. અમારા પૂર્વ કચ્છના જિલ્લા પ્રમુખ ડો.કાયનાત અંસારીએ જનતા રેડ કરી દારૂના અડ્ડા રોકવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે તેમને ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. કાલે પણ અરવલ્લીના મોડાસામાં આમ આદમી પાર્ટીના બે કાર્યકર્તા જયદિપ સિંહ અને અભિજીત સિંહ પાસેથી 180 મિલી નું એક ક્વાર્ટર દારૂ પકડવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો અને કાર્યકર્તાઓને પ્રોહિબિશન એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી. હું અરવલ્લી પોલીસ અને એલસીબીની ટીમને કહેવા માગું છું કે જ્યાં ખુલ્લેઆમ દારૂનો વેપાર થઈ રહ્યો છે, ટેન્કર ના ટેન્કર દારૂ આવી રહ્યો છે, ત્યાં તમે રોકી શકતા નથી. પરંતુ ક્યાંકને ક્યાંક આમ આદમી પાર્ટી સાથે તમને તકલીફ છે, એટલે તમે અમારા કાર્યકર્તાઓને હેરાન કરી રહ્યા છો.
AAP નેતા જયદીપસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતુ કે ગૃહમંત્રીની ગાઇડલાઇન મુજબ ગમે તેમ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમે નકારાત્મક રાજનીતિ કરવા નીકળી પડ્યા છો. મૂળ વાત એ છે કે તમે આમ આદમી પાર્ટીની વધતી શક્તિથી ડરી રહ્યા છો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ક્યારેય ડર્યા નથી અને આગળ પણ ડરવાના નથી. આજે પણ હું જણાવું છું કે આ પાર્ટી લડશે, મજબૂતાઈથી લડશે અને જીત હાંસલ કરશે. દારૂના મુદ્દે પણ અમે સ્પષ્ટ કહી દઈએ છીએ કે જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યાં કાર્યવાહી થવી જ જોઈએ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવવાના, ધમકાવવાના અને માયૂસ કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, તે બંધ કરો.




