
સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. તે મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે કાલે શહીદ ભગતસિંહના શહાદત દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના યુથ વિભાગ દ્વારા અને બ્રિજરાજભાઈ સોલંકીની આગેવાનીમાં સુરતમાં વારંવાર પકડાતા ડ્રગ્સના વિરોધમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના યુવાનોને બચાવવા માટે આમ આદમી પાર્ટીની આ એક પહેલ હતી. પરંતુ સરકારે હકીકતમાં ડ્રગ્સ માફિયાઓને પકડવાના બદલે ડ્રગ્સના વિરોધમાં અવાજ ઉઠાવતા લોકો સામે કાર્યવાહી કરી છે.
ગુજરાત પોલીસ દ્વારા બ્રિજરાજભાઈ સોલંકી અને અન્ય 36 જેટલા આમ આદમી પાર્ટીના યુવાનોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ સામાન્ય રીતે થોડા કલાકોમાં છૂટા કરી દેવાની પ્રક્રિયા હોવા છતાં 36 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમને હજુ છોડવામાં આવ્યા નથી. આથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકારને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં રસ નથી, પરંતુ ડ્રગ્સના વિરોધમાં અવાજ ઉઠાવતા લોકોને દબાવવામાં રસ છે. દારૂ વેચનારા સામે કાર્યવાહી કરવામાં રસ નથી, પરંતુ દારૂબંધી અંગે પ્રશ્ન ઉઠાવનારાઓ સામે કેસ કરવામાં આવે છે. અમારી માંગ છે કે બ્રિજરાજભાઈ સોલંકી અને અન્ય તમામ નેતાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. નહીં તો આવનારા દિવસોમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.





