
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતલક્ષી ર્નિણય વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત રૂપિયા ૩૦૦ના ટોકન પર સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જાેગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ ખેડૂત તથા પ્રજાહિતકારી ર્નિણય કર્યો છે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જાેગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા ૩૦૦ ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો ર્નિણય કર્યો છે. આ મહત્વપૂર્ણ ર્નિણય અનુસાર વારસાઈની નોંધ/નોંધો હેઠળના સંયુક્ત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ વારસો (મરણ જનાર મૂળ ખાતેદારના સીધી લીટીના કેસમાં એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના વારસો) દ્વારા અન્ય એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હક ઉઠાવવાના કિસ્સામાં પ્રત્યેક હક ઉઠાવવા/કમીના લેખ પર રૂ.૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી લેવાશે.
જાે સીધી લીટીના વારસો હયાત હોય તો તે પૈકીના એક યા વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ કરવાના કિસ્સામાં, સીધી લીટીના એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના હયાત પૈકીના એક યા વધુ વારસોના નામ દાખલ કરવાના કિસ્સામાં પ્રત્યેક હયાતીમાં હક દાખલના લેખ પર રૂ.૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવામાં આવશે.
સમયના ક્રમાનુસાર એક યા વધુ તબક્કે વારસાઈ નોંધ/નોંધો અન્વયે દાખલ થયેલ સંયુક્ત ખાતેદારો દ્વારા એક અથવા વધુ તબક્કે વહેંચણી કરવામાં આવે (આવી વારસાઈથી સીધી લીટી અથવા તેની હયાતી ન હોય ત્યારે આડી લીટીના વારસો દાખલ થયેલ હોઈ શકે) પ્રત્યેક વહેંચણીના લેખ પર રૂ.૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી લેવાશે.
જે કિસ્સામાં સીધી લીટીના એક પણ વારસ હયાત ન હોય તો જ આડી લીટીના પ્રકારના એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હક ઉઠાવવો, હયાતીમાં નામ/હક દાખલ કરવા તથા વહેંચણી અંગે, ઉક્ત દર્શાવેલ પ્રત્યેક તબદીલી લેખે રૂ.૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી વસૂલી વિનિયમિત કરવાની રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી ર્નિણયના પરિણામે પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં ઘટાડો થશે, કાયદેસર દસ્તાવેજીકરણમાં વધારો થશે અને હાલમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાથી જે ઘણા વ્યવહારો બિનદસ્તાવેજી રહે છે. તેમાં આ સુધારા પછી લોકો સરળતાથી નોંધણી કરાવશે.
એટલું જ નહીં, ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વહેંચણીમાં આર્થિક ભાર ઓછો પડવાથી મોટી રાહત મળશે અને પારદર્શિતા અને સ્પષ્ટતાનો ધ્યેય સાકાર થશે એટલે કે, હક પત્રક વધુ સ્પષ્ટ બનશે અને જમીનના માલિકી હક અંગેની ગેરસમજ ઘટશે.
આ રૂ.૩૦૦ ની સરળ સ્ટેમ્પ ડ્યુટીથી પ્રક્રિયા ઝડપી અને વ્યવહારિક બનશે અને લોકોને વ્યવહારોમાં વધુ સરળતા થવાથી ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ મળશે.





