
સંરક્ષણ અને જીર્ણોદ્ધારના કામ થશે જન્મદિવસ પહેલા અનંત અંબાણીએ ૨ મંદિરમાં ૧૮ કરોડ આપ્યા અટવાયેલા જીર્ણોદ્ધાર અને સંરક્ષણના કામ પૂરા કરી શકાશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અનંત અંબાણી ૧૦ એપ્રિલના રોજ પોતાનો જન્મદિવસ મનાવશે. આ અગાઉ તેમણે કેરળના કેટલાય પ્રાચીન મંદિરોના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. આ પહેલ તેમના તરફથી ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતને સંરક્ષિત કરવાની દિશામાં એક નિરંતર અને અદ્ભુત પ્રયાસ તરીકે જાેવામાં આવી રહ્યો છે. આ અગાઉ પણ તેમણે કેરળના મુખ્ય મંદિરોની મુલાકાત લઈ ત્યાં સંરક્ષણ કાર્યો માટે મોટી રકમ દાનમાં આપવાની જાહેરાત કરી હતી.
હવે જન્મદિવસના ઠીક એક દિવસ પહેલા તેમણે આ પહેલને આગળ વધારવા માટે કેટલાય ઐતિહાસિક મંદિરો માટે અલગ અલગ આર્થિક સહયોગ કર્યો છે. જેનાથી લાંબા સમયથી અટવાયેલા જીર્ણોદ્ધાર અને સંરક્ષણના કામ પૂરા કરી શકાશે. આ મહિનાની શરૂઆતમાં તલિપરંબા રાજારાજેશ્વર મંદિર અને ગુરુવાયૂર શ્રી કૃષ્ણ મંદિરમાં કુલ ૧૮ કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. આ મંદિરોમાં સંરચનાત્મક સંરક્ષણ અને વિરાસતને બચાવવા માટે આ રકમ આપવામાં આવી હતી, જેને હવે આગળ વધારવામાં આવી છે.
આ પહેલ અંતર્ગત થિરુવંગડ શ્રી રામસ્વામી મંદિરને ૬૦ લાખ રૂપિયાનું દાન આપ્યું છે. જ્યાં સદીઓ જૂની તાંબાની છતના પુનર્નિર્માણનું કામ કરવામાં આવશે. કડવલ્લૂર શ્રી રામસ્વામી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે નડપ્પુરા બનાવવા માટે ૭૦ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. થ્રિપ્રંગોડ શિવ મંદિરમાં ઐતિહાસિક વિલક્કુમદમના પુનર્નિર્માણ માટે ૧ કરોડ રૂપિયા આપ્યા છે. વળી થ્રિક્કાંડિયૂર મહાદેવ મંદિરના સંરક્ષણ કામ માટે ૬૦ લાખ રૂપિયાની મદદ કરી છે.
અરિયન્નૂર હરિકન્યકા મંદિરના પવિત્ર તળાવના નવીનીકરણ માટે ૫૦ લાખ રૂપિયા આપ્યા છે. આ તળાવ મંદિરની ધાર્મિક અને ઐતિહાસિક ઓળખનો ભાગ માનવામાં આવે છે અને તેના સંરક્ષણની જરૂર લાંબા સમયથી અનુભવાઈ રહી હતી. નિરમકૈતકોટ્ટા ભગવતી મંદિરના પાટ્ટુપુરાના સંરક્ષણ માટે ૭૫ લાખ રૂપિયા આપ્યા છે. આ સંરચના પોતાની પરંપરાગત નકશીકામ અને રામાયણ સાથે જાેડાયેલા ચિત્રણ માટે ઓળખાય છે. જેને હવે સંરક્ષિત કરી શકાશે.
પરપ્પનંગડી નેડુમપરંબુ ભગવતી મંદિરમાં મંડલા વ્રત દરમિયાન આયોજિત થતા અન્નદાન મહોત્સવ માટે ૪૦ લાખ રૂપિયાની મદદ કરવામાં આવી છે. આ આયોજનમાં સતત ૪૨ દિવસ સુધી શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
મંદિર ટ્રસ્ટ સાથે જાેડાયેલા લોકોએ આ પહેલનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે કેટલાય પ્રોજેક્ટ લાંબા સમયથી ફંડની કમીને કારણે અટકેલા હતા. હવે આ સહયોગથી સંરક્ષણ અને જીર્ણોદ્ધારનું કામ ઝડપથી આગળ વધશે અને આવનારી પેઢી માટે આ ધરોહરોને સુરક્ષિત રાખવામાં આવશે.





