
હાઇવે પર હેવી, કોમર્શિયલ વ્હિકલના પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ સહિતના સંખ્યાબંધ ર્નિદેશો નેશનલ હાઇવે પરનાં અતિક્રમણો ૬૦ દિવસમાં દૂર કરો: સુપ્રીમ સર્વાેચ્ચ અદાલતે ‘સુરક્ષિત માર્ગના અધિકાર’ને બંધારણના કલમ ૨૧ હેઠળના જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો પણ ગણાવ્યો નેશનલ હાઇવે પર ગેરકાયદે પાર્કિગ અને અતિક્રમણ સામે આકરું વલણ અપનાવીને સુપ્રીમ કોર્ટે હાઇવેના કેરેજવે પર હેવી અને કોમર્શિયલ વ્હિકલના પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ, તમામ અનધિકૃત ઢાબા, ખાણીપીણીની દુકાનો અને કોમર્શિયલ બાંધકામો ૬૦ દિવસમાં દૂર કરવા, સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા સહિતના સંખ્યાબંધ વચગાળાના દિર્શાનિદેશો જારી કર્યાં હતાં. સર્વાેચ્ચ અદાલતે ‘સુરક્ષિત માર્ગના અધિકાર’ને બંધારણના કલમ ૨૧ હેઠળના જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો પણ ગણાવ્યો હતો. ન્યાયાધીશ જે કે મહેશ્વરી અને અતુલ એસ ચાંદુરકરની બનેલી ખંડપીઠે રાજસ્થાનના ફલોદી અને તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં થયેલા જીવલેણ માર્ગ અકસ્માતો અંગેના સુઓમોટો કેસમાં આ આદેશ આપ્યો હતો.
હાઇવે પરની સિસ્ટેમેટિક બેદરકારી અને આપત્તિજનક માળખાગત નિષ્ફળતાઓની ગંભીર નોંધ લઈને સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આવી ક્ષતિઓ સુરક્ષિત માર્ગના અધિકારનું ગંભીર ઉલ્લંઘન અને અધિકારીઓ દ્વારા ફરજમાં બેદરકારી સમાન છે. કોઇ રોડ અને ખાસ કરીને હાઇ-સ્પીડ એક્સપ્રેસવે વહીવટી સુસ્તી અથવા માળખાકીય ખામીઓને કારણે જાેખમનો કોરિડોર ન બનવો જાેઈએ. વ્યાપક દિર્શાનિદેશો જારી કરી ખંડપીઠે નેશનલ હાઇવે કેરેજવે અને પેવ્ડ શોલ્ડર પર ભારે અને વેપારી વાહનોના પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. સર્વાેચ્ચ અદાલતે રીઅલ-ટાઇમ એલર્ટ, GPS-ટેગ કરેલા ફોટોગ્રાફિક પુરાવા અને ઇ-ચલણ મિકેનિઝમ સહિત એડવાન્સ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ (ATMS)નો 60 દિવસમાં અમલ કરવાનો આદેશ આપ્યો હતો. નેશનલ હાઇવે ઇન્સ્પેક્શન અને સર્વેને ફરજિયાત બનાવીને સર્વાેચ્ચ અદાલતે અતિક્રમણ, ઇન્સ્પેક્શન ટીમ અને નિયમ પાલનનો અંગેના વિગતવાર રીપોર્ટ સુપરત કરવા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI), NHIDCL અને રાજ્ય પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ સહિતની સત્તાવાળાને તાકીદ કરી હતી.સુપ્રીમ કોર્ટે નેશનલ હાઇવેના રાઈટ ઓફ વેમાં ઢાબા અને વેપારી એકમો સહિત અનધિકૃત બાંધકામોને તાત્કાલિક પ્રતિબંધિત કરવા અને દૂર કરવા આદેશ આપ્યો હતો. જિલ્લા અધિકારીઓને 60 દિવસની આવા બાંધકોમ તોડી પાડવા પડશે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, NHAI,PWDના અધિકારીઓનો સમાવેશ કરીને દેશભરમાં ડિસ્ટ્રિક્ટ હાઇવે સેફ્ટી ટાસ્ક ફોર્સની રચના કરવાનો પણ આદેશ આપ્યો હતો.





