
પ્રસિદ્ધ ક્રિષ્ના અને રોહિત શર્માની અનોખી હેટ્રિક પ્રસિદ્ધ ક્રિષ્ના અને રોહિત શર્માની ગજબની જુગલબંધી સામે અફઘાનિસ્તાન થયું લાચાર પ્રસિદ્ધ ક્રિષ્નાએ જે શરૂઆતની ત્રણ વિકેટ લીધી તેમાં આઉટ થનાર ત્રણેય બેટ્સમેન સ્લિપમાં ઊભેલા રોહિત શર્માના હાથે કેચ આઉટ થયા આજે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે સીરીઝ રમાઈ રહી છે. ત્યારે આ મેચ દરમિયાન રોહિત શર્મા અને પ્રસિદ્ધ ક્રિષ્નાનું સંયુક્ત રીતે શાનદાર પ્રદર્શન જાેવા મળ્યું. તમે ક્રિકેટમાં હંમેશા બેટ્સમેનો વચ્ચે પાર્ટનરશિપના રેકોર્ડ વિશે સાંભળ્યું હશે, પરંતુ બોલર અને ફીલ્ડર્સની જુગલબંધીના રેકોર્ડ ખૂબ જ ઓછા જાેવા મળે છે. ૨૦ જૂને ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડેમાં આ કમાલ જાેવા મળી.
ચેન્નઈમાં બફારા અને પ્રચંડ ગરમી વચ્ચે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના અફઘાન ટીમ પર કહેર બનીને તૂટી પડ્યો. પોતાના પહેલા સ્પેલમાં તેણે પાંચ ઓવરમાં માત્ર છ રન આપીને ચાર વિકેટ ઝડપી, જેમાં રોહિત શર્માનું પણ મોટું યોગદાન રહ્યું. પ્રસિદ્ધ ક્રિષ્નાએ જે શરૂઆતની ત્રણ વિકેટ લીધી તેમાં આઉટ થનાર ત્રણેય બેટ્સમેન સ્લિપમાં ઊભેલા રોહિત શર્માના હાથે કેચ આઉટ થયા.
શરૂઆતની આઠ ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્ના અને રોહિત શર્મા વચ્ચે કેચ અને વિકેટની એક અનોખી હેટ્રિક જાેવા મળી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ પોતાના સ્પેલના પહેલા જ બોલમાં રહમાનુલ્લાહ ગુરબાજને ઓફ સ્ટમ્પ બહાર થોડી મૂવમેન્ટવાળો બોલ ફેંક્યો અને ફર્સ્ટ સ્લિપમાં ઊભેલા રોહિત શર્માના હાથે આઉટ કરાવ્યો.
આ જાેડીએ છઠ્ઠી ઓવરમાં પણ એ જ કમાલ કરી બતાવી. પ્રસિદ્ધે રહમત શાહને એક મુશ્કેલ બેક ઓફ લેન્થ બોલ ફેંક્યો. જેના પર બેટની લીડિંગ એઝ લાગતા જ બોલ રોહિતના પાસે જતો રહ્યો. પરંતુ આ અનોખી હેટ્રિક આઠમી ઓવરમાં પૂરી થઈ, જ્યારે ઇબ્રાહિમ જાદરાન પ્રસિદ્ધનો ત્રીજાે શિકાર થયો. હવામાં ડ્રાઇવ લગાવવાના પ્રયત્નમાં ઇબ્રાહિમના બેટનો કિનારો લાગ્યો અને બોલ ફર્સ્ટ સ્લિપ પાસે જતો રહ્યો, જ્યાં રોહિત શર્માએ ઇનિંગનો પોતાનો ત્રીજાે કેચ સફળપૂર્વક ઝડપી લીધો.
આ પહેલા અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પહેલા બેટિંગનો ર્નિણય કર્યો હતો. ત્રણ મેચની સીરિઝની શરૂઆતની બંને મેચ જીતીને ભારત ૨-૦થી અજય લીડ સાથે આગળ છે. આ ઔપચારિક મેચ માટે અફઘાનિસ્તાને પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર કર્યા છે, જ્યારે ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષ દુબે અને નીતિશ કુમાર રેડ્ડીએ વાપસી કરી છે.





