ઈજાગ્રસ્ત ઈશાન કિશન શ્રેણીમાંથી બહાર બીજી ટી-૨૦ મેચ અગાઉ ભારતીય ટીમને મોટો આંચકો પ્રથમ મુકાબલા દરમિયાન જમણા પગમાં લો-ગ્રેડ એડક્ટર સ્ટ્રેન થતાં ત્રીજા નંબર પર બેટિંગ ન કરી શક્યા
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર રહેલી ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે, કેમ કે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની આગામી બીજી ટી-૨૦ મેચમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ મેચ દરમિયાન તેના જમણા પગમાં લો-ગ્રેડ એડક્ટર સ્ટ્રેન (માંસપેશીઓમાં ખેંચાણ) ની સમસ્યા સર્જાઈ હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ હાલ તેની તબિયત અને ફિટનેસ પર સતત નજર રાખી રહી છે.
આ શારીરિક તકલીફના કારણે ઈશાન કિશન નિર્ધારિત ક્રમ મુજબ ત્રીજા નંબર પર બેટિંગ કરવા મેદાનમાં ઉતરી શક્યો ન હતો. તેના સ્થાને તિલક વર્માને મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે માત્ર ૬ રનનું યોગદાન આપી શક્યો હતો. બાદમાં ઈશાન પાંચમા ક્રમે બેટિંગ કરવા આવ્યા બાદ માત્ર ૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતે પ્રથમ ટી-૨૦ મુકાબલામાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો, જે ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં ભારત દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલો સૌથી મોટો લક્ષ્યાંક પિછો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કિવિ ટીમે ૨૨૫ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. લક્ષ્યનો પીછો કરતા ઓપનર સંજૂ સેમસને શાનદાર ૬૭ રનની ઇનિંગ રમી હતી, જેના પરિણામે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શ્રેયસ ઐયરે ૪૦ રન અને નમન ધીરે ૪૨ રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપી ટીમની જીતમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
શ્રેણીની બીજી ટી-૨૦ મુલાકાત આગામી ૨૪ ઓક્ટોબર, શનિવારના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે રમાનાર છે. હવે ક્રિકેટ વર્તુળોમાં સૌથી મોટો સવાલ એ ઉદ્ભવ્યો છે કે ઈશાન કિશનની ગેરહાજરીમાં ટીમમાં તેનું સ્થાન કોણ લેશે. હાલ અગ્રણી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીનું નામ ચર્ચામાં છે અને પ્લેઇંગ ઇલેવનમાં તેના સમાવેશ માટે પ્રબળ માંગ ઉઠી રહી છે.
ભારતીય સ્ક્વોડ : શ્રેયસ ઐયર (કપ્તાન), અભિષેક શર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ-કપ્તાન), અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.




