
જાે રૂટ સચિનનો રેકોર્ડ તોડી શકે : માઈકલ એથરટ જાે રૂટ સચિનના ટેસ્ટ રનના વિશ્વ રેકોર્ડને તોડવાથી માત્ર ૧,૮૪૭ રન દૂર રૂટ માત્ર ૩૫ વર્ષનો છે : તેની ફિટનેસના આધારે તે ૩૭ કે ૩૮ વર્ષની ઉંમર સુધી ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટર જાે રૂટ હાલમાં રન અને સદી ફટકારવામાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. રૂટે ૧૬૫ ટેસ્ટ મેચોમાં ૩૦૨ ઇનિંગ્સમાં ૫૦.૮૧ની પ્રભાવશાળી સરેરાશથી ૧૪,૦૭૫ રન બનાવ્યા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ૪૧ સદી અને ૬૭ અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં જે ગતિથી તે રમી રહ્યો છે એ જાેતાં તે આગામી બે વર્ષમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનો ૧૫,૯૨૧ ટેસ્ટ રનનો વિશ્વ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. રૂટ માત્ર ૩૫ વર્ષનો છે. તેની ફિટનેસના આધારે તે ૩૭ કે ૩૮ વર્ષની ઉંમર સુધી ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે. આ દરમિયાન જાે રૂટ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ ક્યારે તોડશે? તેને લઈને દિગ્ગજ ક્રિકેટરે મોટી ભવિષ્યવાણી કરી છે.
જાે રૂટ હાલમાં સચિન તેંડુલકરના ૧૫, ૯૨૧ ટેસ્ટ રનના વિશ્વ રેકોર્ડને તોડવાથી માત્ર ૧,૮૪૭ રન દૂર છે. તે આગામી બે વર્ષમાં આ કાર્ય સરળતાથી પૂર્ણ કરવા માટે તૈયાર છે. રૂટ ૩૦ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ ૩૬ વર્ષનો થશે. સ્કાય સ્પોર્ટ્સ ટીમે ગણતરી કરી છે અને અંદાજ લગાવ્યો છે કે, જાે રૂટ ખરેખર ક્યારે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે.
માઈકલ એથરટને સ્કાય સ્પોર્ટ્સ પર કહ્યું કે, ‘અમે ડેટાની ગણતરી કરી અને જાેયું કે જાે રૂટ પાસે સચિન તેંડુલકરને પાછળ છોડી દેવાની ૭૧.૩% શક્યતા છે અને તે ૨૦૨૮ ના ઉનાળામાં સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં અથવા ૨૦૨૮ માં ભારત પ્રવાસની છેલ્લી ટેસ્ટમાં આવું કરી શકે છે.‘ સચિન તેંડુલકરથી વિપરીત જાે રૂટ ODI માં નિયમિત ખેલાડી નથી. તેણે ૨૦૧૩માં તેના ડેબ્યૂ પછી ફક્ત ૧૮૯ ODI રમી છે. જાે રૂટે ૨૦૧૯ થી T20I રમી નથી.
જાે રૂટ ૨૦૧૨ માં ડેબ્યૂ કર્યા પછીથી ટેસ્ટ ટીમનો નિયમિત ભાગ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, જાે રૂટે સચિન તેંડુલકરની ઈંગ્લેન્ડ સાથેની છેલ્લી સિરીઝમાં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. સચિન તેંડુલકર દરેક ફોર્મેટમાં નિયમિત ખેલાડી હતો. સચિન તેંડુલકરે ૪૬૩ વનડે અને ૨૦૦ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે ૧૮,૪૨૬ વનડે રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન અત્યાર સુધી ૧૫,૦૦૦ વનડે રન સુધી પહોંચી શક્યો નથી. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ૧૦૦ સદી ફટકારી હતી.





