
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
શહેરમાં રસ્તે રખડતા પશુઓ રસ્તામાં પડેલા કચરામાંથી ખાવાનું શોધતા હોય છે. અને એ ખાવામાં ઘણીવાર પ્લાસ્ટિક અને વાળના ગુંચળા પશુઓ ખાઈ જવાના અને પાછળથી એમના પેટમાંથી નીકળવાના બનાવો તો નોંધાયા છે. અને એવા કિસ્સાઓ અખબારોમાં પણ ચમક્યા હોય છે.
પરંતુ અહીં તો રાજસ્થાનમાં એક ગાય ચારાની સાથે ખીલો પણ ગળી ગઈ હતી. એને કારણે ગાયની હાલત કથળી ગઈ હતી. ચારો ખાધા પછી હજી ખીલો તેના જઠરમાં જ પડેલો હતો. આવા કેસમાં બે સંભાવનાઓ રહે છે એક તો સર્જરી કરીને જ્યાં ખીલો ફસાયો હોય ત્યાંથી કાઢવો. બીજો વિકલ્પ છે એ મળ વાટે બહાર નીકળે તેની રાહ જોવી. જો કે ખીલો લોખંડનો હતો અને ધારદાર હતો એને કારણે જો પેટમાં આંતરિક અવયવોને ફાડીને એ કેવીટીમાં જતો રહે તો ગાયને બચાવવી મુશ્કેલ થઈ જાય છે.
એવામાં રાજસ્થાનના ડોક્ટરોએ જુગાડ જેવો નુસખો અપનાવ્યો. મેટલ ડિટેક્ટર ની મદદથી પહેલા તો એ શોધ્યું કે ખીલો ગાયના પેટમાં ક્યાં સુધી પહોંચ્યો છે. મેટર ડિટેક્ટરમાં ખબર પડી કે હજી જઠર પાસે જ છે એટલે ડોક્ટરોએ સાદો જુગાડ ચુંબકનો લગાવ્યો. જેમ માણસોમાં સાધન નાંખીને જઠરના ભાગની એન્ડોસ્કોપી કરવામાં આવે છે એવું જ કંઈક પશુ નિષ્ણાંતોએ ગાય સાથે કર્યું. જોકે આ સાધનમાં છેવાડે અત્યાધુનિક ધ્વનિક સાધનોની જગ્યાએ એક મજબૂત મેગ્નેટ ચીપકાવવામાં આવ્યું હતું. ગાયના મોમાં આ નળી નાખવામાં આવી. અંદરનો ખીલો ચુંબક ને ચોંટી ગયો. એ પછી ધીમે ધીમે મોંમાથી જ એને બહાર કાઢી લેવાયો. આ દરમિયાન ગાય જરાય માથું ન હલાવે એ માટે તેના માથાને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યું હતું. જેવો ખીલો બહાર નીકળ્યો કે ગાયના ચહેરા પર સુકુન પથરાઈ ગયું હતું અને ગાયે પીડા મુક્ત થઈને હાશકારો અનુભવ્યો હતો.





